Gir Somnath News: પસવાળાના સરપંચ પર છરીથી જીવલેણ હુમલાનો કેસ, સુરતથી બે આરોપી ઝડપાયા


Gir Somnath News
Gir Somnath News: પસવાળાના સરપંચ પર છરીથી જીવલેણ હુમલાનો કેસ, સુરતથી બે આરોપી ઝડપાયા


Gir Somnath News
Gir Somnath News: ઉના તાલુકાના પસવાળા ગામના સરપંચ ભીમાભાઈ જાદવ પર છરી વડે જીવલેણ હુમલો કરવાના કેસમાં પોલીસને સફળતા મળી છે. ઉના પોલીસની માહિતીના આધારે સુરતની ચોકબજાર પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓને સુરતથી ઉના લાવવામાં આવ્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સરપંચ પર છરી વડે હુમલો કર્યો હતો
મળતી માહિતી મુજબ, પસવાળા ગામના સરપંચ ભીમાભાઈ જાદવ પર ગાંગડા રોડ પર આવેલી જય માતાજી હોટલ નજીક હુમલો કરવામાં આવ્યો હતો. બાઈક પર આવેલા શખ્સોએ સરપંચ પર છરી વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન તેમના પડખાના ભાગે છરીના ઘા ઝીંકવામાં આવતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી. આરોપીઓની ઓળખ પ્રવીણ ઉર્ફે પરીયો મકવાણા અને તુષાર ઉર્ફે આલીયો અહાણિયા તરીકે થઈ છે. ઉના પોલીસ પાસેથી મળેલી માહિતીના આધારે સુરતની ચોકબજાર પોલીસે તપાસ હાથ ધરી બંનેને ઝડપી પાડ્યા હતા. હુમલામાં વપરાયેલી છરી પણ પોલીસે કબજે કરી હોવાની માહિતી સામે આવી છે.
બંને આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પ્રવીણ ઉર્ફે પરીયો મકવાણા સામે ઘરફોડ ચોરીના સાત અને મોબાઈલ ચોરીના ચાર ગુના નોંધાયેલા છે. તે અગાઉ બે વખત પાસા હેઠળ જેલમાં પણ જઈ ચૂક્યો છે. જ્યારે બીજા આરોપી તુષાર ઉર્ફે આલીયા અહાણિયા સામે હત્યાનો એક અને ઘરફોડ ચોરીના ચાર ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. બંને આરોપીઓને સુરતથી ઉના લાવવામાં આવ્યા બાદ તેમની તબીબી તપાસ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં સરપંચ ભીમાભાઈ જાદવ પર હુમલો કરવા પાછળનું ચોક્કસ કારણ જાણવા ઉના પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓની પૂછપરછમાં હુમલાના કારણ અને ઘટનાને લગતી અન્ય વિગતો સામે આવવાની શક્યતા છે.





