Vadodara News: સાવલીની ડમ્પિંગ સાઈડમાં કચરો સળગતા સ્થાનિકોમાં રોષ, ધુમાડાથી લોકો પરેશાન

Vadodara News: વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભાટપુર ચોકડી નજીક આવેલી ડમ્પિંગ સાઈડ પર કચરો સળગવાની ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Kunjan Shukal
Kunjan Shukal
Vadodara NewsVadodara News

Vadodara News

Vadodara News: વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભાટપુર ચોકડી નજીક આવેલી ડમ્પિંગ સાઈડ પર કચરો સળગવાની ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડમ્પિંગ સાઈડ પર અવારનવાર કચરો સળગવાની ઘટનાઓ બનતી હોવાના કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કચરો સળગતા તેમાંથી નીકળતો ગાઢ ધુમાડો આસપાસના રહેણાક વિસ્તારોમાં ફેલાઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિકોના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે.

કચરો સળગવાની સમસ્યા વારંવાર સામે આવી

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ડમ્પિંગ સાઈડ પર કચરો સળગવાની સમસ્યા વારંવાર સામે આવી રહી છે, પરંતુ તેનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. કચરો સળગવાથી નીકળતા ધુમાડાને કારણે લોકોને આંખોમાં બળતરા થવાની તેમજ શ્વાસ લેવામાં તકલીફ પડવાની ફરિયાદો ઉઠી રહી છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને આસપાસ રહેતા પરિવારોને આ ધુમાડાથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ, ડમ્પિંગ સાઈડમાંથી નીકળતો ધુમાડો નજીકના માર્ગ પર પણ ફેલાઈ જતાં રાહદારીઓ અને વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. ધુમાડાના કારણે માર્ગ પરથી પસાર થતા લોકોને પણ પરેશાની થઈ રહી છે.

તંત્ર સામે અનેત સવાલો ઉઠ્યા

આ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ડમ્પિંગ સાઈડ પર દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે નારાજગી વ્યક્ત કરી હતી. સ્થાનિકોએ સાવલી નગરપાલિકા તંત્ર સામે સવાલો ઉઠાવતાં તાત્કાલિક ધોરણે કચરો સળગાવવાની પ્રવૃત્તિ અટકાવવાની માગ કરી છે. સાથે જ ડમ્પિંગ સાઈડ પર કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં આવે અને વારંવાર સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરી છે. હવે જોવાનું એ રહેશે કે નગરપાલિકા તંત્ર આ ગંભીર સમસ્યાને લઈને ક્યારે કાર્યવાહી કરે છે અને સ્થાનિકોને ધુમાડાની સમસ્યામાંથી ક્યારે મુક્તિ મળે છે.

આ પણ વાંચો: Jamnagar News: હેરોઈનના જથ્થા સાથે પંજાબના બે શખ્સો ઝડપાયા, રૂપિયા 2.15 લાખનો મુદ્દામાલ જપ્ત