Indian Air Force : વડોદરાના આકાશમાં 'સારંગ' ટીમનો જલવો, પાંચ હેલિકોપ્ટરના દિલધડક કરતબ જોઈ લોકો મંત્રમુગ્ધ


Indian Air Force વડોદરાના આકાશમાં 'સારંગ' ટીમનો જલવો
Indian Air Force : વડોદરાના આકાશમાં 'સારંગ' ટીમનો જલવો, પાંચ હેલિકોપ્ટરના દિલધડક કરતબ જોઈ લોકો મંત્રમુગ્ધ


Indian Air Force વડોદરાના આકાશમાં 'સારંગ' ટીમનો જલવો
Indian Air Force : શહેરના હરણી એરફિલ્ડ ખાતે યોજાયેલા આ ખાસ એર શોમાં વાયુસેનાના જવાનોએ પાંચ હેલિકોપ્ટર સાથે આકાશમાં અદભુત ફોર્મેશન અને રોમાંચક સ્ટંટ્સ રજૂ કર્યા હતા. હેલિકોપ્ટરોને એકબીજાની નજીકથી પસાર થતાં અને હવામાં અલગ-અલગ આકાર રચતાં જોઈને ઉપસ્થિત દર્શકોમાં રોમાંચ છવાઈ ગયો હતો.
આગામી 15 નવેમ્બર સુધી આ એર શો યોજાવાનો છે. સારંગ ટીમના પાયલટોએ એરોહેડ, ઇન્ડિયા ફોર્મેશન અને ડાયમંડ ફોર્મેશન જેવા અદભુત કરતબો રજૂ કર્યા હતા. ખાસ કરીને હેલિકોપ્ટરો એકબીજાને ક્રોસ કરતાં અને હવામાં હાર્ટ શેપ જેવું દૃશ્ય રચતાં દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એક હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવેલું સ્ટોલ ટર્ન મેન્યુવર પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
ભારતીય વાયુસેનાની સારંગ ટીમનો જલવો
આ શો નિહાળનાર ભારતીય નૌકાદળનાં નિવૃત્ત કમાન્ડર પ્રત્યુષા ચૌહાણે પોતાના અનુભવ અંગે જણાવ્યું હતું કે, આ પ્રદર્શન રોમાંચક અને રુવાડાં ઊભાં કરી દે તેવું છે. હેલિકોપ્ટર દ્વારા આ પ્રકારના એરોબેટિક્સ જોઈને ભારતીય વાયુસેના અને સારંગ ટીમ પર ગર્વ થાય છે. આ શો જોઈને લોહીમાં એકદમ જોશ આવી ગયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. સારંગ ટીમના સ્ક્વોડ્રન લીડર અને પાયલટ બી. એસ. ડુમરે જણાવ્યું હતું કે, સ્થળ અને પરિસ્થિતિ પ્રમાણે પ્રદર્શન આશરે 15થી 20 મિનિટનું હોય છે.
ટીમ દ્વારા પાંચથી વધુ પ્રકારના હવાઈ કરતબો રજૂ કરવામાં આવે છે. સ્વદેશી HAL ધ્રુવ હેલિકોપ્ટર દ્વારા આ પ્રદર્શન કરવામાં આવે છે. વર્ષ 2003માં આ ટીમની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારથી ભારત સહિત વિદેશોમાં પણ ટીમે પોતાની ક્ષમતા દર્શાવી છે.
નિવૃત્ત નેવી કમાન્ડર બોલ્યા- લોહીમાં જોશ આવી ગયો
વડોદરાના સ્થાનિક નાગરિક પાર્થએ પણ પ્રથમવાર આટલા નજીકથી આવું પ્રદર્શન નિહાળવાનો અનુભવ શેર કર્યો હતો. તેમના મતે આ પ્રકારના શો યુવાનો અને બાળકો માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. આવા કરતબો જોઈને યુવાનોમાં પણ સંરક્ષણ દળોમાં જોડાઈને દેશસેવા કરવાની ભાવના જાગે છે. ઉલ્લેખનીય છે કે, સારંગ ટીમ વિશ્વની અનોખી હેલિકોપ્ટર એરોબેટિક ટીમોમાંની એક છે.
સંસ્કૃતમાં સારંગનો અર્થ મોર થાય છે. ટીમના હેલિકોપ્ટર પર મોરની થીમ આધારિત સુંદર રંગીન ડિઝાઇન કરવામાં આવી છે. આ ટીમે આંતરરાષ્ટ્રીય એર શોમાં પણ ભારતનું ગૌરવ વધાર્યું છે. આમ, વડોદરાના આકાશમાં સારંગ ટીમના શૌર્ય અને કૌશલ્યના પ્રદર્શને લોકોમાં દેશભક્તિનો જોશ જગાવ્યો છે. 15 નવેમ્બર સુધી યોજાનારા આ એર શોને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.




