Ahmedabad News : શીલજ સર્કલ પર હિટ એન્ડ રનની ઘટના, રેન્જ રોવરની ટક્કરે રેપિડો પાછળ બેઠેલા યુવકનું મોત, MLAના ભત્રીજાની ધરપકડ

Ahmedabad News : અમદાવાદના શીલજ સર્કલ નજીક સર્જાયેલા હિટ એન્ડ રનની ગંભીર ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું છે.
Vivek Shah
Vivek Shah
Ahmedabad News શીલજ હીટ એન્ડ રન આરોપીAhmedabad News શીલજ હીટ એન્ડ રન આરોપી

Ahmedabad News શીલજ હીટ એન્ડ રન આરોપી

Ahmedabad News : ગુરુકૃપા ટ્રેડર્સ ચાર રસ્તા પાસે રેન્જ રોવર કારના ચાલકે રેપિડો બાઇકને ટક્કર મારતાં પાછળ બેઠેલા 35 વર્ષીય યુવકનું ગંભીર અકસ્માતમાં મોત થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. જોકે, બોપલ પોલીસે CCTV ફૂટેજ અને કારના નંબરના આધારે તપાસ કરીને આરોપી રાઘવેન્દ્ર કુશવાહની ધરપકડ કરી છે.

આરોપી એક ધારાસભ્યનો ભત્રીજો હોવાનું પણ સામે આવ્યું છે. શીલજ સર્કલ નજીક બુધવારે સવારે ગુરુકૃપા ટ્રેડર્સ ચાર રસ્તા પાસે આ અકસ્માત સર્જાયો હતો. રેપિડો બાઇક પર ચાલક પ્રદીપ કુમાર અને પાછળની સીટ પર હર્ષદકુમાર પુરબિયા મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન પૂરઝડપે આવતી રેન્જ રોવર કારના ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બાઇક પર પાછળ બેઠેલા હર્ષદકુમારને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આરોપીનો જામીન પર છૂટકારો થયો

અકસ્માતમાં ઘાયલ થયેલા હર્ષદકુમારનું મોત નીપજ્યું હતું. મૃતક હર્ષદકુમાર પુરબિયાની ઉંમર 35 વર્ષ હતી. તેઓ અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા હતા અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના વતની હતા. આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે.

બીજી તરફ, અકસ્માત સર્જનાર રેન્જ રોવર કારનો ચાલક ઘટનાસ્થળેથી કાર સાથે ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં સંડોવાયેલી કારનો નંબર GJ 27 EK 0600 હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતાં બોપલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસે આસપાસના વિસ્તારોમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા

CCTV ફૂટેજ અને કારની નંબર પ્લેટના આધારે તપાસ આગળ વધારતાં રેન્જ રોવર કારના ચાલક તરીકે રાઘવેન્દ્ર કુશવાહની ઓળખ થઈ હતી. ત્યારબાદ બોપલ પોલીસે કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી અને અકસ્માતમાં વપરાયેલી રેન્જ રોવર કાર પણ કબજે કરી હતી. આરોપી રાઘવેન્દ્ર કુશવાહ ધારાસભ્યનો ભત્રીજો હોવાનું સામે આવતાં આ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. જોકે, અકસ્માત કેવી રીતે સર્જાયો, કારની ગતિ કેટલી હતી અને અન્ય સંજોગો શું હતાં તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Crime News : અમદાવાદમાં મહિલા PSI અને ભાજપ કોર્પોરેટર વચ્ચે બબાલ, ફટાકડાથી કારના નુકસાન મુદ્દે વિવાદ થતા પોલીસમાં સામસામે અરજી કરાઈ