PM મોદીનો ગુજરાત પ્રવાસ: વડોદરા-નવસારીને રૂ. 35,200 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ



PM Modi Gujarat Visit 2026
PM મોદીનો ગુજરાત પ્રવાસ: વડોદરા-નવસારીને રૂ. 35,200 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ



PM Modi Gujarat Visit 2026
PM Modi Gujarat Visit 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બર, 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન વડોદરાના યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં વડાપ્રધાનના હસ્તે રૂ. 35,200 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ફ્લેગ ઑફ કરવામાં આવશે. આમાં કેન્દ્ર સરકારના રૂ. 32,606 કરોડથી વધુ અને રાજ્ય સરકારના રૂ. 2,597 કરોડથી વધુના વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.
કેન્દ્ર સરકારના રૂ. 32,606 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ
વડાપ્રધાનના હસ્તે કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના રૂ. 32,606 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. તેમાં NHAIના રૂ. 1,840.55 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. NHAI હેઠળ NH-48ના વડોદરા-સુરત સેક્શનમાં તાપી અને નર્મદા નદી પરના મુખ્ય પુલ સહિતના માળખાં માટે રૂ. 907.39 કરોડનું ખાતમુહૂર્ત થશે. કામરેજ-ચલથાણ સેક્શનમાં છ માર્ગીય કેરેજવે માટે રૂ. 686.15 કરોડનું કામ અને NH-53 પર વિવિધ જંકશન ખાતે ગ્રેડ સેપરેટેડ સ્ટ્રક્ચર્સ માટે રૂ. 187.11 કરોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત NH-48 પર કંડારી ચોકડી અને લુવારા પાટિયા ખાતે રૂ. 59.90 કરોડના ખર્ચે તૈયાર થયેલા છ માર્ગીય ફ્લાયઓવરનું લોકાર્પણ કરવામાં આવશે.
રેલવે માટે રૂ. 30,766 કરોડથી વધુના વિકાસકાર્યો
ભારતીય રેલવે અંતર્ગત રૂ. 30,766 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. તેમાં રૂ. 20,703 કરોડના ખર્ચે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC)ના ત્રણ મહત્વપૂર્ણ વિભાગોનું લોકાર્પણ સામેલ છે.
ન્યૂ સાણંદ (N)–ન્યૂ મકરપુરા: 138 કિ.મી.
ન્યૂ ઉમરગામ–ન્યૂ સફાળે: 86 કિ.મી.
ન્યૂ સફાળે–ન્યૂ JNPT: 102 કિ.મી.
આ ઉપરાંત રૂ. 8,885 કરોડના ખર્ચે વડોદરા-રતલામ વચ્ચે 259 કિ.મી. લાંબા ત્રીજા અને ચોથા રેલવે ટ્રેકના નિર્માણનું ખાતમુહૂર્ત પણ થશે.
વડોદરાને રૂ. 916 કરોડથી વધુના શહેરી વિકાસ પ્રોજેક્ટ્સ
ગુજરાત સરકારના રૂ. 2,597 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. શહેરી વિકાસ વિભાગ હેઠળ રૂ. 916.38 કરોડના ખર્ચે 8 જેટલા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. તેમાં રૂ. 523.59 કરોડના ખર્ચે વડોદરા રિંગ રોડના બીજા તબક્કાના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી કચેરીના નિર્માણનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે.
PM મોદીના ગુજરાત પ્રવાસનું સમયપત્રક
12:00 PM: વડોદરા આગમન અને મુખ્ય કાર્યક્રમ
3:00 PM: હેલિકોપ્ટર મારફતે નવસારી પ્રસ્થાન
4:15 PM: નવસારીથી સુરત પ્રસ્થાન
4:38 PM: સુરતથી મુંબઈ પ્રસ્થાન
મુંબઈ: ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં હાજરી
11 ગામો માટે પાણીની માળખાગત સુવિધાઓ
વડાપ્રધાન VUDAની હદમાં આવેલા પૂર્વ વિસ્તારના 11 ગામો માટે રૂ. 203.77 કરોડના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ, પાણીની ટાંકી, પાઇપલાઇન, વિતરણ વ્યવસ્થા, અંડરગ્રાઉન્ડ સમ્પ અને પમ્પિંગ સ્ટેશન સહિતની સુવિધાઓનું લોકાર્પણ કરશે. ભાયલી ટી.પી.-3 અને ટી.પી.-4 વિસ્તારોમાં પાણીની સુવિધાઓ, આજવા સરોવર ખાતે 150 MLD ક્ષમતાના પોન્ટૂનનું નિર્માણ, વિવિધ જંક્શનો પર સ્ટોર્મ વોટર ડ્રેનેજ તથા PMAY હેઠળના EWS આવાસ જેવા પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
કડાણા ડેમ ખાતે 110 મેગાવોટનો ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ મહીસાગર જિલ્લાના કડાણા ડેમના જળાશય પર રૂ. 489.20 કરોડના ખર્ચે 110 મેગાવોટ ક્ષમતાના ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત વડોદરા અને સુરતમાં કુલ રૂ. 94.58 કરોડના ટ્રાન્સમિશન સિસ્ટમ પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ થશે.
13,888 આવાસોનું લોકાર્પણ
પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) અંતર્ગત સમગ્ર ગુજરાતમાં રૂ. 236.10 કરોડના ખર્ચે નિર્મિત 13,888 આવાસોનું લોકાર્પણ પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે.
પુલો અને રસ્તાના પ્રોજેક્ટ્સને પણ વેગ
માર્ગ અને મકાન વિભાગ હેઠળ મહીસાગર નદી પર રૂ. 150 કરોડના ખર્ચે નવા મેજર બ્રિજ, વાત્રક નદી પર રૂ. 74.10 કરોડના ખર્ચે મેજર બ્રિજ તથા નડિયાદ-ડાકોર-પાલી માર્ગ પર હાઈ-લેવલ મેજર બ્રિજના નિર્માણનો સમાવેશ થાય છે. આણંદ ખાતે નવા બસ સ્ટેશનના નિર્માણનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે.
નવસારીમાં પણ વિકાસકાર્યોનું લોકાર્પણ
વડોદરા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીની પણ મુલાકાત લેશે. નવસારીના એરુ PHQ ખાતે વિકસાવવામાં આવેલી વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત IMD-GIDC હેઠળ ઝઘડિયા-કાંટિયાજળ પાઇપલાઇનનું નવીનીકરણ તથા સાવલી GIDCમાં રસ્તાઓ પહોળા કરવા અને રિસરફેસિંગના કામોનું લોકાર્પણ થશે. પાણી પુરવઠા વિભાગ હેઠળ તાપી જિલ્લાના સોનગઢ વિસ્તારમાં રૂ. 214.52 કરોડના ખર્ચે ત્રણ RWSS પેકેજનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
ગુજરાતના માળખાગત વિકાસને મળશે વેગ
વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ દરમિયાન એકસાથે રોડ, રેલવે, શહેરી વિકાસ, પાણી, આવાસ, ઊર્જા અને ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓ સાથે જોડાયેલા મોટા પ્રોજેક્ટ્સને વેગ મળશે. રૂ. 35,200 કરોડથી વધુના આ વિકાસકાર્યો રાજ્યના વિવિધ વિસ્તારોમાં કનેક્ટિવિટી અને માળખાગત સુવિધાઓને વધુ મજબૂત બનાવશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



