અંકલેશ્વરમાં ₹6.62 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, કરજણ કેનાલના ₹143 કરોડના નવીનીકરણથી ખેડૂતોને મળશે સિંચાઈનું પૂરતું પાણી


Ankleshwar Irrigation Projects
અંકલેશ્વરમાં ₹6.62 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, કરજણ કેનાલના ₹143 કરોડના નવીનીકરણથી ખેડૂતોને મળશે સિંચાઈનું પૂરતું પાણી


Ankleshwar Irrigation Projects
Ankleshwar Irrigation Projects: અંકલેશ્વરની કરજણ કોલોની ખાતે સિંચાઈ વિભાગના કુલ ₹6.62 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસકામો પૂર્ણ થયા બાદ સિંચાઈ વિભાગની વહીવટી કામગીરી વધુ સુદૃઢ બનવાની સાથે અધિકારીઓ અને કર્મચારીઓને આધુનિક કાર્યસુવિધા મળશે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અજિત વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ વિવેક ભરડીવાલા, નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ અંદાડીયા, લોકગાયક અભેસિંહ રાઠોડ સહિત જળ સંપત્તિ વિભાગ અને કરજણ સિંચાઈ યોજનાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઈન્સ્પેક્શન બંગલો અને નવી ઓફિસ બિલ્ડિંગ બનશે
કરજણ કોલોની ખાતે ₹413.79 લાખના ખર્ચે ઈન્સ્પેક્શન બંગલો બનાવવામાં આવશે. આ ઉપરાંત યુ.આર.પી.બી.સી.આઈ. ડિવિઝન અને સબ-ડિવિઝન કચેરી માટે ₹248.94 લાખના ખર્ચે નવી ઓફિસ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવશે. આ સુવિધાઓ ઉભી થતાં રાજપીપળા સહિત દૂરના વિસ્તારોમાંથી આવતા અધિકારીઓ અને પ્રજાજનોને વહીવટી કામગીરીમાં સરળતા મળશે અને એક જ સ્થળેથી સંબંધિત કામગીરી થઈ શકશે. જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, નવી ઓફિસ બિલ્ડિંગ સહિતના પ્રકલ્પો પૂર્ણ થતાં વિભાગની કામગીરી વધુ મજબૂત બનશે. અધિકારીઓ અને કર્મચારીઓને પણ વધુ સારી કાર્યસુવિધા મળી રહેશે.
₹143 કરોડના ખર્ચે 51 કિમી લાંબી કરજણ કેનાલનું નવીનીકરણ
દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સૌથી મહત્વની જાહેરાત કરજણ કેનાલના નવીનીકરણને લઈને કરવામાં આવી છે. ₹143 કરોડના ખર્ચે 51 કિલોમીટર લાંબી કરજણ કેનાલનું રેનોવેશન કરવામાં આવશે. કેનાલનું નવીનીકરણ પૂર્ણ થયા બાદ તેની પાણી વહન ક્ષમતા 3,200 ક્યુસેકથી વધીને અંદાજે 4,200થી 4,300 ક્યુસેક થશે. આ કામગીરી નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન યુદ્ધના ધોરણે પૂર્ણ કરવાનો આયોજન છે. આ પ્રકલ્પથી ઉછાલી, મોતાલી અને સેગપુર સહિતના છેવાડાના ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી પહોંચાડવામાં મદદ મળશે.
‘નેવાના પાણી મોભે ચઢાવવાનું’ કામ કર્યું: ઈશ્વરસિંહ પટેલ
મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત વિવિધ યોજનાઓ પર કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર છેવાડાના ખેડૂત સુધી પાણી પહોંચાડવા માટે સંકલ્પબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ સરકારે ‘નેવાના પાણી મોભે ચઢાવવાનું’ કામ કર્યું છે. રાજ્યમાં જ્યાં પણ પાણીની સમસ્યા હશે ત્યાં સિંચાઈનું પાણી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે.
વોટર લોગિંગની સમસ્યા દૂર કરવા ડ્રેનેજ ઊંડી કરાશે
અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાને દૂર કરવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. મોતવાણ, તેલવા, સરથાણ અને કલમ સહિતના ગામોમાં આશરે 400થી 500 વીઘા જમીનમાં ભરાતા પાણીના નિકાલ માટે ડ્રેનેજને ઊંડી કરવામાં આવશે. આ કામગીરીથી ખેતીની જમીનમાં પાણી ભરાવાની સમસ્યા ઘટશે અને ખેડૂતોને રાહત મળવાની શક્યતા છે.
કીમ અને ટોકરી નદી પર ચેકડેમની સિરીઝ
ભવિષ્યમાં પાણીનો વધુ સારો ઉપયોગ થાય તે માટે કીમ અને ટોકરી નદી પર સિરીઝ ચેકડેમ બનાવવાનું પણ આયોજન છે. ચેકડેમના નિર્માણથી દરિયામાં વહી જતું પાણી રોકી તેનો સ્થાનિક સ્તરે ઉપયોગ કરી શકાશે. આ ઉપરાંત માંગરોળ, માંડવી અને ઉમરપાડાના ટેકરાવાળા વિસ્તારોમાં તાપી-કરજણના પાણી લિફ્ટ ઈરિગેશન યોજના મારફતે પહોંચાડવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે.
છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચાડવાનો સરકારનો પ્રયાસ
અંકલેશ્વરમાં શરૂ થયેલા વિકાસ પ્રકલ્પો અને કરજણ કેનાલના નવીનીકરણથી સિંચાઈ વિભાગની માળખાકીય સુવિધાઓ મજબૂત થવાની સાથે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પણ તેનો સીધો લાભ મળવાની અપેક્ષા છે. કેનાલની પાણી વહન ક્ષમતા વધવાથી છેવાડાના વિસ્તારો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવામાં મદદ મળશે.




