Vadodara News: દીપાપુરા-ગુતરડીને જોડતો ગોમાં નદીનો કોઝવે જર્જરિત, ગ્રામજનોની હાલાકી


દીપાપુરા-ગુતરડીને જોડતો ગોમાં નદીનો કોઝવે જર્જરિત
Vadodara News: દીપાપુરા-ગુતરડીને જોડતો ગોમાં નદીનો કોઝવે જર્જરિત, ગ્રામજનોની હાલાકી


દીપાપુરા-ગુતરડીને જોડતો ગોમાં નદીનો કોઝવે જર્જરિત
Vadodara News: વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં દીપાપુરા અને ગુતરડી ગામને જોડતો ગોમાં નદી પરનો કોઝવે વર્ષોથી જર્જરિત હાલતમાં હોવાથી ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કોઝવે તૂટી જતાં અવરજવર બંધ થઈ ગઈ છે, જેના કારણે આસપાસના ગામોના લોકોને 7થી 10 કિલોમીટરનો લાંબો ચક્કર કાપવાની ફરજ પડી રહી છે.
કોઝવે લાંબા સમયથી બિસ્માર હાલતમાં
દીપાપુરા અને ગુતરડી ગામને જોડતો ગોમાં નદી પરનો કોઝવે લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે. કોઝવે તૂટી જવાના કારણે આ માર્ગ પરથી વાહનવ્યવહાર અને અવરજવર મુશ્કેલ બની છે. પરિણામે દીપાપુરા, ગુતરડી સહિત આસપાસનાં ગામોના ગ્રામજનોને રોજિંદા કામકાજ માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. નોકરી-ધંધા, ખરીદી, શાળા-કોલેજ તેમજ અન્ય જરૂરી કામો માટે અવરજવર કરતા લોકોને હવે 7થી 10 કિલોમીટરનો વધારાનો ફેરો ખાવો પડે છે. આ સમસ્યાના કારણે લોકોનો સમય અને ખર્ચ બંને વધી રહ્યા છે. બીજી તરફ, કેટલાક ગ્રામજનોને જરૂરી કામ માટે નદીના પાણીમાંથી જોખમી રીતે પસાર થવાની મજબૂરી પણ ઊભી થઈ છે.
વારંવારની રજૂઆતો બાદ તંત્ર ક્યારે જાગશે?
ગ્રામજનોના જણાવ્યા મુજબ, તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી હોવાની વાત છે, પરંતુ આ માર્ગ માત્ર માટીથી બનાવવામાં આવ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. તેમાં જરૂરી ભૂંગળા નાખવામાં આવ્યા ન હોવાથી વરસાદી પાણીના નિકાલ અને માર્ગની ગુણવત્તા સામે પણ સવાલો ઊભા થયા છે. આ સમસ્યાને લઈને ગ્રામજનો દ્વારા અનેકવાર સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. વર્ષોથી જર્જરિત કોઝવેના સ્થાને નવો અને મજબૂત કોઝવે બનાવવામાં આવે તેવી ગ્રામજનોની ઉગ્ર માગ છે. હવે સવાલ એ છે કે ગ્રામજનોની વારંવારની રજૂઆતો બાદ તંત્ર ક્યારે જાગશે? લોકોને જોખમી અવરજવર અને લાંબા અંતરના ફેરામાંથી ક્યારે મુક્તિ મળશે? સ્થાનિક તંત્ર દ્વારા આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી માગ ઉઠી છે.




