Vadodara News: ડભોઈના કાયાવરોન ગામ પાસે લક્ઝરી કારનો ભયાનક અકસ્માત, કારમાં સવાર મહિલાનું થયું મોત

Vadodara News: ડભોઈના કાયાવરોન ગામ પાસે લક્ઝરી કાર ઝાડ સાથે અથડાતાં શિનોર તાલુકાની મહિલાનું મોત થયું, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો.
Kunjan Shukal
Kunjan Shukal
ડભોઈમાં કારનો ગંભીર અકસ્માત સર્જાયોડભોઈમાં કારનો ગંભીર અકસ્માત સર્જાયો

ડભોઈમાં કારનો ગંભીર અકસ્માત સર્જાયો

Vadodara News: વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં કાયાવરોન ગામ પાસે લક્ઝરીયસ કારનો ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે જતી કાર ઝાડ સાથે અથડાતા અકસ્માતના પગલે ઘટનાસ્થળે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આ દુર્ઘટનામાં કારમાં સવાર એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો.

લક્ઝરીયસ કાર અચાનક રસ્તા પરથી નિયંત્રણ ગુમાવી ઝાડ સાથે અથડાઈ

પ્રાપ્ત માહિતી અનુસાર, ડભોઈ તાલુકાના કાયાવરોન ગામ નજીકથી પસાર થઈ રહેલી એક લક્ઝરીયસ કાર અચાનક રસ્તા પરથી નિયંત્રણ ગુમાવી ઝાડ સાથે અથડાઈ હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતને પગલે વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું અને ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર મહિલા મિત્રને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક મહિલા શિનોર તાલુકાની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કારમાં સવાર અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મૃતક મહિલાના પરિવારમાં શોકનો માહોલ છવાયો

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત અંગે તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા મૃતક મહિલાની ઓળખ સહિત અકસ્માતના ચોક્કસ કારણો જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. કારચાલકે કયા સંજોગોમાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને અકસ્માત પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. આ દુર્ઘટનાને પગલે મૃતક મહિલાના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Jamnagar Fire News: ગુલાબનગર ડમ્પિંગ સાઇટમાં ફરી આગ, 7 ફાયર ફાઇટર ગાડીઓએ પાણીનો મારો ચલાવ્યો