Jamnagar Fire News: ગુલાબનગર ડમ્પિંગ સાઇટમાં ફરી આગ, 7 ફાયર ફાઇટર ગાડીઓએ પાણીનો મારો ચલાવ્યો

Jamnagar Fire News: જામનગરના ગુલાબનગર ડમ્પિંગ સાઇટમાં ફરી આગ લાગી. ફાયર વિભાગની 6થી 7 ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો.
Kunjan Shukal
Kunjan Shukal
ગુલાબનગર ડમ્પિંગ સાઇટમાં ફરી આગગુલાબનગર ડમ્પિંગ સાઇટમાં ફરી આગ

ગુલાબનગર ડમ્પિંગ સાઇટમાં ફરી આગ

Jamnagar Fire News: શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા ડમ્પિંગ સાઇટમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. આજે સવારના સમયે ડમ્પિંગ સાઇટમાં અચાનક આગ ભભૂકી ઊઠતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક બે ફાયર ફાઈટર ગાડીઓ સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.

ફાયર ફાઈટરની ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો

પ્રાપ્ત વિગતો અનુસાર, ગુલાબનગર ડમ્પિંગ સાઈટમાં સવારના સમયે આગ લાગતાં સ્થાનિક સ્તરે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. શરૂઆતમાં બે ફાયર ફાઈટર ગાડીઓ સાથે પહોંચેલી ટીમે આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, આગને ઓલવવા માટે વધુ પાણીની જરૂરિયાત ઊભી થતાં વધારાની ફાયર ફાઈટર ગાડીઓ પણ કામગીરીમાં જોડાઈ હતી. આગને સંપૂર્ણપણે ઓલવવા માટે અત્યાર સુધીમાં છથી સાત ફાયર ફાઈટર ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ફાયર વિભાગના જવાનોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી

જોકે, ડમ્પિંગ સાઈટમાં કચરાના ઢગલા વચ્ચે ફરી આગ ન ભભૂકે અને આગની જ્વાળાઓ ફરીથી ફેલાય નહીં તે માટે ફાયર વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુલાબનગર ડમ્પિંગ સાઈટમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે. જેના કારણે સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. ડમ્પિંગ સાઈટમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. વારંવાર બનતી આવી ઘટનાઓને અટકાવવા માટે યોગ્ય તકેદારી અને કાયમી વ્યવસ્થાની જરૂરિયાત હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો: Jamnagar News: રણજીતસાગર ડેમમાં ગેરકાયદે માછીમારીનો પર્દાફાશ, 3 દિવસમાં 17 મોટી જાળનો કરાયો નાશ