Vadodara Fire: બકરાવાડીમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ! ફાયર વિભાગની 4 ટીમો દોડી

Vadodara Fire: વડોદરા શહેરના પથ્થરગેટ વિસ્તારમાં આવેલા બકરાવાડીમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.
Kunjan Shukal
Kunjan Shukal
Vadodara bakarawadi wood godown fireVadodara bakarawadi wood godown fire

Vadodara bakarawadi wood godown fire

Vadodara Fire: વડોદરા શહેરના પથ્થરગેટ વિસ્તારમાં આવેલા બકરાવાડીમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. બકરાવાડી રોડ પર આવેલી લાકડાની વખારમાં અચાનક આગ ભભૂકી ઊઠતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતાં સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો.

View post on Instagram

જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

મળતી માહિતી અનુસાર, બકરાવાડી રોડ પર આવેલી લાકડાની વખારમાં અચાનક આગ લાગતાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં લાકડાનો જથ્થો હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી. આગની જ્વાળાઓ ગોડાઉનની આસપાસના વિસ્તારમાં પણ પ્રસરી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોનાં ટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યાં હતાં. ત્યારબાદ સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા ફાયર વિભાગની આશરે ચાર ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર જવાનોએ આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવી કામગીરી શરૂ કરી હતી. જોકે, ઘટનાસ્થળે ખુલ્લા વીજ વાયરો હોવાના કારણે આગ બુઝાવવાની કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

આસપાસના વેપારીઓ અને સ્થાનિક રહીશોમાં ચિંતા ફેલાઈ

પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સામે આવશે. લાકડાના ગોડાઉનમાં લાગેલી આગને પગલે આસપાસના વેપારીઓ અને સ્થાનિક રહીશોમાં ચિંતા ફેલાઈ છે. ફાયર વિભાગની ટીમો દ્વારા આગને વધુ ફેલાતી અટકાવવા અને તેના પર સંપૂર્ણ કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આગના કારણે કેટલું આર્થિક નુકસાન થયું છે અને કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગેની વિગતો હજુ સામે આવવાની બાકી છે.

આ પણ વાંચો: Nadiad Fire: નડિયાદના કોલેજ રોડ પર ભીષણ આગ! રેસ્ટોરન્ટ, કપડાનો સ્ટોર અને 12 જેટલા ફૂડ સ્ટોલ આગની ઝપેટમાં