Nadiad Fire: નડિયાદના કોલેજ રોડ પર ભીષણ આગ! રેસ્ટોરન્ટ, કપડાનો સ્ટોર અને 12 જેટલા ફૂડ સ્ટોલ આગની ઝપેટમાં


Nadiad Fire
Nadiad Fire: નડિયાદના કોલેજ રોડ પર ભીષણ આગ! રેસ્ટોરન્ટ, કપડાનો સ્ટોર અને 12 જેટલા ફૂડ સ્ટોલ આગની ઝપેટમાં


Nadiad Fire
Nadiad Fire: ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં કોલેજ રોડ વિસ્તારમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. સંકેત ઈન્ડિયા સામે આવેલા રેસ્ટોરન્ટ, કપડાંના સ્ટોર અને અંદાજે 12 જેટલા ફૂડ સ્ટોલ આગની ઝપેટમાં આવી ગયા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
View post on Instagram
શરૂઆતમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
મળતી માહિતી મુજબ, નડિયાદના કોલેજ રોડ વિસ્તારમાં સંકેત ઈન્ડિયા સામે આવેલા વેપારી એકમોમાં અચાનક આગ ફાટી નીકળી હતી. શરૂઆતમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની ઝપેટમાં રેસ્ટોરન્ટ, કપડાંનો સ્ટોર અને આસપાસ આવેલા આશરે 12 જેટલા ફૂડ સ્ટોલ આવી ગયા હતા. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાને પગલે આસપાસના વેપારીઓ અને સ્થાનિક લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગની સાત ફાયર ફાઈટરની ગાડીઓ તૈનાત કરવામાં આવી હતી.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી
ફાયર જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. બીજી તરફ, ઘટનાની ગંભીરતાને જોતા નડિયાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર સહિતનો પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. કોઈ જાનહાનિ કે ઈજાગ્રસ્તોની સ્થિતિ સર્જાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 108 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી હતી. હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. તેમજ આગના કારણે કેટલું આર્થિક નુકસાન થયું છે તેની વિગતો પણ તપાસ બાદ સામે આવશે.




