Gujarat Tribal Scholarship: આદિજાતિ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ગુજરાત સરકારની મોટી સહાય, પાંચ વર્ષમાં 438.27 કરોડ રૂપિયાની આપી શિષ્યવૃત્તિ


આદિજાતિ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ગુજરાત સરકારની મોટી સહાય
Gujarat Tribal Scholarship: આદિજાતિ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ગુજરાત સરકારની મોટી સહાય, પાંચ વર્ષમાં 438.27 કરોડ રૂપિયાની આપી શિષ્યવૃત્તિ


આદિજાતિ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ગુજરાત સરકારની મોટી સહાય
Gujarat Tribal Scholarship: ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ અને ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન પ્રિ-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓ હેઠળ લાખો વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવી છે.
58.38 લાખથી વધુ વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવી
પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ વર્ષ 2021-22થી 2025-26 દરમિયાન રૂપિયા 438.27 કરોડના ખર્ચે 58.38 લાખથી વધુ વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવી છે. આ યોજના હેઠળ ધોરણ 1થી 10માં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને કુટુંબની આવકમર્યાદા વિના લાભ મળે છે. યોજના હેઠળ ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓને રૂપિયા 750, ધોરણ 6થી 8ના કુમારોને રૂપિયા 750 અને કન્યાઓને રૂપિયા 1,000, જ્યારે ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને રૂપિયા 1,000ની સહાય આપવામાં આવે છે. અતિ-પછાત જૂથોના વિદ્યાર્થીઓને વધુ સહાયની જોગવાઈ પણ કરવામાં આવી છે.
રાજ્ય સરકારની વિશેષ યોજનામાં આવકમર્યાદા લાગુ નહીં
પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ છેલ્લાં પાંચ વર્ષમાં રૂપિયા 420.28 કરોડના ખર્ચે 32,226 આદિજાતિ વિદ્યાર્થિનીઓને સહાય આપવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ મેળવતી વિદ્યાર્થિનીઓને અભ્યાસક્રમ અને ડે-સ્કોલર અથવા હોસ્ટેલર હોવાના આધારે સ્ટાઇપેન્ડ તથા ફી સહાય મળે છે. રાજ્ય સરકારે પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ માટે વાર્ષિક કૌટુંબિક આવકમર્યાદા રૂપિયા 2.50 લાખથી વધારીને રૂપિયા 6 લાખ કરી છે. આ નિર્ણયથી વધુ આવક ધરાવતા પાત્ર આદિજાતિ વિદ્યાર્થીઓને પણ શિષ્યવૃત્તિનો લાભ મળી શકશે. આદિજાતિ વિદ્યાર્થિનીઓ માટે રાજ્ય સરકારની વિશેષ યોજનામાં આવકમર્યાદા લાગુ પડતી નથી.
ભારત સરકારની પ્રિ-મેટ્રિક યોજના હેઠળ પાંચ વર્ષમાં રૂપિયા 184.19 કરોડના ખર્ચે 5.37 લાખથી વધુ વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવી છે. જ્યારે પોસ્ટ-મેટ્રિક યોજના હેઠળ રૂપિયા 2,830.77 કરોડના ખર્ચે 11.39 લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ મળ્યો છે. શિષ્યવૃત્તિ માટેની અરજીઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે સ્વીકારવામાં આવે છે અને મંજૂરી બાદ સહાયની રકમ સીધી લાભાર્થીના બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે.




