Get News Alerts

Never miss breaking news updates.

WorldSkills Shanghai 2026માં ભારત 10મા ક્રમે, 6 સિલ્વર મેડલ અને 20 ‘મેડલ ફોર એક્સેલન્સ’ મેળવ્યા

WorldSkills Shanghai 2026: ગુજરાતની વિધિ નીરવ કુમાર સુથારે ફેશન ટેક્નોલોજી કેટેગરીમાં ‘મેડલ ફોર એક્સલન્સ’ મેળવ્યો. ભારતે વિવિધ કેટેગરીઓમાં 20 મેડલ ફોર એક્સલન્સ પણ મેળવ્યા.
Nancy ShuklaUpdated on: 28 Sep 2026 09:08 PM IST
WorldSkills Shanghai 2026માં ભારત 10મા ક્રમે, 6 સિલ્વર મેડલ અને 20 ‘મેડલ ફોર એક્સેલન્સ’ મેળવ્યાWorldSkills Shanghai 2026માં ભારત 10મા ક્રમે, 6 સિલ્વર મેડલ અને 20 ‘મેડલ ફોર એક્સેલન્સ’ મેળવ્યા

WorldSkills Shanghai

WorldSkills Shanghai 2026: ચીનના શાંઘાઈમાં યોજાયેલી 48મી ‘વર્લ્ડસ્કિલ્સ કોમ્પિટિશન, શાંઘાઈ 2026’ માં ભારતે 10મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારતે આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય કૌશલ્ય સ્પર્ધામાં 6 સિલ્વર મેડલ અને 20 ‘મેડલ ફોર એક્સલન્સ’ મેળવ્યા છે. તમને જણાવી દઈએ કે વર્લ્ડસ્કિલ્સ લિયોન 2024માં ભારત 4 બ્રોન્ઝ મેડલ અને 12 'મેડલ ફોર એક્સેલન્સ' સાથે 13મા નંબરે રહ્યું હતું. તેની સરખામણીમાં આ વર્ષનું પરિણામ દેશના કુશળ યુવાનો માટે વૈશ્વિક મંચ પર એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે.

ભારતે વિવિધ કેટેગરીઓમાં 20 મેડલ ફોર એક્સલન્સ પણ મેળવ્યા

વર્લ્ડસ્કિલ્સ શાંઘાઈ ખાતે જે 6 સિલ્વર મેડલ પ્રાપ્ત થયા છે, તેમાં સ્મૃતિ નામ્બિયારે બેકરીમાં; મોહમ્મદ સલામે ડેન્ટલ પ્રોસ્થેટિક્સમાં; કોવિદ અજય ગંગરાડે ડિજિટલ ઈન્ટરેક્ટિવ મીડિયા ડિઝાઈનમાં; પાર્થ વોહરાએ ઈન્ડસ્ટ્રિયલ ડિઝાઈન ટેક્નોલોજીમાં; મેહરુનિસા બેગમે લોજિસ્ટિક્સ અને ફ્રેટ ફોરવર્ડિંગમાં તથા સાનિયા જોશીએ રિટેલ સેલ્સમાં સિલ્વર મેડલ જીત્યા છે. તેમની આ સિદ્ધિઓ સર્જનાત્મક, ટેક્નિકલ અને સેવા ક્ષેત્રની વિવિધ કૌશલ્ય કેટેગરીઓમાં ભારતીય પ્રતિભાની વ્યાપકતા પ્રદર્શિત કરે છે.

આ સિવાય ભારતે ટેક્નિકલ, ઈન્ડસ્ટ્રિયલ, ડિજિટલ, ક્રિએટિવ અને સેવા કૌશલ્યો જેવી વિવિધ કેટેગરીઓમાં 20 મેડલ ફોર એક્સલન્સ પણ મેળવ્યા છે, જેમાં ગુજરાતની વિધિ નીરવ કુમાર સુથારે ફેશન ટેકનોલોજી કેટેગરીમાં મેડલ ફોર એક્સલન્સ મેળવ્યો છે.

23થી 26 સપ્ટેમ્બર દરમિયાન ચાર દિવસ સુધી ચાલેલી તીવ્ર સ્પર્ધા બાદ વિજેતાઓને 27 સપ્ટેમ્બરના રોજ શાંઘાઈમાં યોજાયેલા ભવ્ય સમાપન સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં અસાધારણ ટેક્નિકલ કુશળતા, નવીનતા, ચોકસાઇ અને કારીગરીનું સન્માન કરવામાં આવ્યું હતું, અને તેમાં વિશ્વભરમાંથી આવેલા સ્પર્ધકો, આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળો, નિષ્ણાંતો અને ઉદ્યોગ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

વૈશ્વિક કૌશલ્ય ક્ષેત્રે ભારતની સફરમાં એક મહત્વપૂર્ણ પ્રગતિ

ટીમ ઈન્ડિયાના આ પ્રદર્શન માટે તેમને અભિનંદન આપતા ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) તથા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી જયંત ચૌધરીએ જણાવ્યું કે, “વર્લ્ડસ્કિલ્સ શાંઘાઈ 2026માં 6 સિલ્વર મેડલ અને 20 મેડલ ફોર એક્સલન્સ સાથે ટીમ ઈન્ડિયાનું આ નોંધપાત્ર પ્રદર્શન વૈશ્વિક કૌશલ્ય ક્ષેત્રે ભારતની સફરમાં એક મહત્વપૂર્ણ પ્રગતિ દર્શાવે છે. આપણા અગાઉના પ્રદર્શન કરતાં વધુ સારું પરિણામ પ્રાપ્ત કરીને આપણા યુવા સ્પર્ધકોએ ભારતની કુશળ પ્રતિભાની વધતી જતી તાકાત અને સ્પર્ધાત્મકતા સાબિત કરી છે. "

"આ સિદ્ધિમાં યોગદાન આપનાર દરેક સ્પર્ધક, નિષ્ણાત, પ્રશિક્ષક અને ઉદ્યોગ ભાગીદારને હું અભિનંદન પાઠવું છું. મેડલ ઉપરાંત પણ વધુ ગૌરવની બાબત એ છે કે આપણા યુવાનોએ આત્મવિશ્વાસ, દૃઢ નિશ્ચય અને શ્રેષ્ઠતા સાથે વૈશ્વિક મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમની આ સફળતા, ભવિષ્યલક્ષી સ્કિલ ઈકોસિસ્ટમનું નિર્માણ કરવાની અને દરેક ભારતીય યુવાનને વિશ્વના શ્રેષ્ઠ લોકો સાથે સ્પર્ધા કરવાની તક આપવાની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.”

નવી ટેક્નોલોજી અને ઉદ્યોગ-આધારિત ક્ષમતાઓ પર વિશેષ ભાર

ભારતની આ સિદ્ધિ તેના યુવા સ્પર્ધકોની મહેનત અને સમર્પણને પ્રતિબિંબિત કરે છે, જેમને મહિનાઓ સુધીની સઘન તૈયારી, વિશિષ્ટ તાલીમ, માર્ગદર્શન અને આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્કિંગ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, ‘મેડલ ફોર એક્સલન્સ’ એવા સ્પર્ધકોને એનાયત કરવામાં આવે છે, જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાપિત વૈશ્વિક કૌશલ્યના (વર્લ્ડસ્કિલ્સ) ધોરણોની સમખામણીએ ઉચ્ચ સ્તરની વ્યાવસાયિક કુશળતા દર્શાવે છે.

આ વર્ષે આ સ્પર્ધામાં ભારતની હિસ્સેદારીનું એક નોંધપાત્ર પાસું એ હતું કે ભારતે 11 નવી અને ઉભરતી કૌશલ્ય કેટેગરીમાં પ્રવેશ કર્યો હતો, જેમાં ડેન્ટલ પ્રોસ્થેટિક્સ, ડિજિટલ ઈન્ટરેક્ટિવ મીડિયા ડિઝાઇન, ઇન્ટેલિજન્ટ સિક્યોરિટી ટેક્નોલોજી, લેન્ડસ્કેપ ગાર્ડનિંગ, ઓપ્ટોઇલેક્ટ્રોનિક ટેક્નોલોજી, રિટેલ સેલ્સ, અનમેન્ડ એરિયલ સિસ્ટમ્સ, ઔદ્યોગિક મિકેનિક્સ, સોફ્ટવેર ટેસ્ટિંગ, હેવી વ્હીકલ ટેક્નોલોજી અને એરક્રાફ્ટ મેન્ટેનન્સનો સમાવેશ થાય છે. આ વિશિષ્ટ કેટેગરીઓમાં ભારતની હિસ્સેદારી દેશની કૌશલ્ય વિકાસ વ્યવસ્થામાં થઈ રહેલા પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે, જેમાં ભવિષ્યલક્ષી વ્યવસાયો, નવી ટેક્નોલોજી અને ઉદ્યોગ-આધારિત ક્ષમતાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

આ સ્પર્ધાએ ભારતીય સ્પર્ધકો અને નિષ્ણાંતોને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ અનુભવ પૂરો પાડ્યો છે. આ દરમિયાન તેમને વૈશ્વિક વ્યાવસાયિક ધોરણો, ઉભરતી ટેક્નોલોજી અને આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પદ્ધતિઓ (બેસ્ટ પ્રેક્ટિસિસ) અંગે મૂલ્યવાન જાણકારી પ્રાપ્ત થઈ, જે ભારતની તાલીમ અને મૂલ્યાંકન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: Ankleshwar : પાનોલીમાં ગૌવંશના કટિંગનો આક્ષેપ, 5 શખ્સ ઝડપાયા, 510 કિલો માંસ જપ્ત

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.