Surendranagar News: લીલાપુરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો યુવાનો સાથે સંવાદ, વિકસિત ભારતના નિર્માણમાં યુવા શક્તિ પર મુક્યો ભાર


Surendranagar Jagdish Vishwakarma Youth Interaction
Surendranagar News: લીલાપુરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો યુવાનો સાથે સંવાદ, વિકસિત ભારતના નિર્માણમાં યુવા શક્તિ પર મુક્યો ભાર


Surendranagar Jagdish Vishwakarma Youth Interaction
Surendranagar News: ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના લીલાપુર ગામે યુવાનો સાથે સંવાદ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં તેમણે વિકસિત ભારત, લોકશાહી મૂલ્યો, રાષ્ટ્રહિત અને દેશના વિકાસમાં યુવાનોની ભૂમિકા અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમ બાદ તેમણે સરદાર સરોવર નર્મદા નિગમની સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલના ઢાંકી સ્થિત પમ્પિંગ સ્ટેશન-1ની મુલાકાત પણ લીધી હતી.
ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ
યુવાનોને સંબોધતાં જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ લક્ષ્યને સાકાર કરવામાં દેશની યુવા શક્તિની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આજનો યુવા માત્ર આવતીકાલનું ભવિષ્ય નથી, પરંતુ વર્તમાન ભારતના નિર્માણમાં પણ સક્રિય ભાગીદાર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે યુવાનોની ઊર્જા, નવીન વિચારશક્તિ, ટેક્નોલોજી ક્ષેત્રે કૌશલ્ય, સંશોધન અને ઉદ્યોગસાહસિકતા ભારતને વૈશ્વિક સ્તરે આગળ લઈ જવાની ક્ષમતા ધરાવે છે.
ટેક્નોલોજી સહિતના ક્ષેત્રોમાં આગળ વધવાની તકો
જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર યુવાનોને શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટઅપ, રોજગાર, રમતગમત, સંશોધન અને ટેક્નોલોજી સહિતના ક્ષેત્રોમાં આગળ વધવાની તકો પૂરી પાડી રહી છે. આ ઉપરાંત તેમણે લોકશાહીની ગરિમા જાળવવા, બંધારણીય સંસ્થાઓમાં વિશ્વાસ મજબૂત કરવા અને લોકશાહી પ્રક્રિયાની પવિત્રતા જાળવવામાં યુવાનોની સક્રિય ભાગીદારી જરૂરી ગણાવી હતી. તેમણે યુવાનોને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપવા અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉ. નરેશભાઈ દેસાઈ, પ્રભારી કિરીટભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા સહિત પક્ષના પદાધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.




