Jamnagar Liquor Raid: ગોકુલનગરમાં દેશી દારૂના વેચાણનો પર્દાફાશ, મહિલા બુટલેગર સહિત ત્રણની ધરપકડ


Jamnagar Police Liquor Raid News
Jamnagar Liquor Raid: ગોકુલનગરમાં દેશી દારૂના વેચાણનો પર્દાફાશ, મહિલા બુટલેગર સહિત ત્રણની ધરપકડ


Jamnagar Police Liquor Raid News
Jamnagar Liquor Raid: જામનગરના ગોકુલનગર વિસ્તારમાં દેશી દારૂના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ થયો છે. દારૂના વેચાણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી. LCB અને સીટી સી ડિવિઝન પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરીને મહિલા બુટલેગર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
વીડિયોને પગલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું
મળતી માહિતી મુજબ, જામનગરના ગોકુલનગર વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોને પગલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. વાયરલ વીડિયો અને મળેલી બાતમીના આધારે LCB તથા સીટી સી ડિવિઝન પોલીસની ટીમે સંયુક્ત રીતે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગોકુલનગર વિસ્તારમાં દેશી દારૂના વેચાણ સાથે સંકળાયેલા ત્રણ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મહિલા બુટલેગર સમજુ સિહોરાની પોલીસે ધરપકડ કરી છે. આ ઉપરાંત તેના પુત્ર મનોજ ઉર્ફે મુનો સિહોરા અને પુત્રવધૂ કાજલ સિહોરાને પણ ઝડપી લેવામાં આવ્યા છે.
પોલીસે પ્રોહિબિશનના ત્રણ અલગ-અલગ ગુના નોંધ્યા
પોલીસે ત્રણેય આરોપીઓ સામે દેશી દારૂના ગેરકાયદે વેચાણ મામલે પ્રોહિબિશનના ત્રણ અલગ-અલગ ગુના નોંધ્યા છે. આરોપીઓની ધરપકડ બાદ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોએ ગોકુલનગર વિસ્તારમાં દેશી દારૂના વેચાણનો મુદ્દો ફરી ચર્ચામાં લાવ્યો છે. જાહેરમાં દારૂના વેચાણની પ્રવૃત્તિ સામે સ્થાનિક સ્તરે પણ સવાલો ઊભા થઈ રહ્યા હતા. હવે વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરતાં ગેરકાયદે દારૂના વેચાણ સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ અને દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો તે દિશામાં પણ તપાસ થઈ શકે છે.




