Get News Alerts

Never miss breaking news updates.

Surat News : ઝંખવાવના ખેડૂતોનો જમીન સંપાદન સામે મોરચો, કલેક્ટર કચેરીએ પહોંચી કર્યો હલ્લાબોલ

Surat News : સુરત જિલ્લાના ઝંખવાવ ગામમાં વિવિધ સરકારી પ્રોજેક્ટ માટે જમીન સંપાદનના મુદ્દે ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 05 Oct 2026 01:08 PM IST
Surat News :  ઝંખવાવના ખેડૂતોનો જમીન સંપાદન સામે મોરચો, કલેક્ટર કચેરીએ પહોંચી કર્યો હલ્લાબોલSurat News :  ઝંખવાવના ખેડૂતોનો જમીન સંપાદન સામે મોરચો, કલેક્ટર કચેરીએ પહોંચી કર્યો હલ્લાબોલ

Surat Jamin Sampadan

Surat News : જમીન સંપાદનથી અસરગ્રસ્ત ખેડૂતો આજે સુરત કલેક્ટર કચેરી ખાતે મોરચા સાથે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે કલેક્ટરને રજૂઆત કરી હતી. ખેડૂતોના જણાવ્યા મુજબ, ઝંખવાવ વિસ્તારમાં ચાર જેટલા સરકારી પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જેમાં નેશનલ હાઈવે-56 બાયપાસ, કોસંબા-ઉમરપાડા રેલવે લાઈન, જેટકોના વીજ ટાવર તેમજ સોલર અંડરગ્રાઉન્ડ વીજ લાઈન માટે જમીન સંપાદનનો સમાવેશ થાય છે.

એક જ જમીન 8 વખત સરકારી કામમાં?

ખેડૂતોએ ખાસ કરીને સર્વે નંબર 111, 112 અને 113ની આશરે 6.5 હેક્ટર જમીન સંપાદન સામે વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોનો દાવો છે કે આ જમીન સંપાદનથી 23 પરિવારોના કુલ 93 સભ્યો તેમજ 17 જેટલા રહેણાંક મકાનો અસરગ્રસ્ત થઈ શકે છે. અસરગ્રસ્ત ખેડૂતોએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે જમીન તેમની આજીવિકાનો મહત્વપૂર્ણ આધાર છે. જો જમીન સંપાદિત કરવામાં આવશે તો ખેતી આધારિત આવક પર અસર પડશે અને તેમના બાળકોના ભવિષ્ય સામે પણ ગંભીર પ્રશ્નો ઊભા થઈ શકે છે.

ખેડૂતો દ્વારા વધુ એક મહત્વપૂર્ણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, આ જ જમીનનો અગાઉ પણ વિવિધ સરકારી કામોમાં આશરે આઠ વખત ઉપયોગ કરવામાં આવ્યો છે. તેથી ફરીથી એ જ જમીનનું સંપાદન કરવામાં આવે તો સ્થાનિક પરિવારો પર વધુ ભાર પડશે તેવી ખેડૂતોની રજૂઆત છે.

PESA કાયદાનો હવાલો આપી ખેડૂતોનો વિરોધ

આ ઉપરાંત, ઝંખવાવ ગામ PESA કાયદા હેઠળના શિડ્યુલ્ડ વિસ્તારમાં આવતું હોવાનો ખેડૂતોનો દાવો છે. તેથી ગ્રામસભાની મંજૂરી વગર જમીન સંપાદન ન કરવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે વિકાસના સરકારી પ્રોજેક્ટનો તેઓ વિરોધ કરતા નથી, પરંતુ સ્થાનિક પરિવારોની આજીવિકા, રહેઠાણ અને ભવિષ્યને નુકસાન ન થાય તે રીતે યોગ્ય નિર્ણય લેવો જોઈએ.

જમીન સંપાદન અંગે અસરગ્રસ્ત પરિવારો સાથે યોગ્ય ચર્ચા અને કાયદેસરની પ્રક્રિયા બાદ જ આગળ વધવાની માંગ કરવામાં આવી છે. સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચેલા ખેડૂતો દ્વારા પોતાની વિવિધ રજૂઆતો અધિકારીઓ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. હવે વહીવટી તંત્ર આ રજૂઆતો અંગે શું નિર્ણય લે છે તેના પર અસરગ્રસ્ત પરિવારોની નજર છે. જમીન સંપાદનનો આ મુદ્દો આગામી દિવસોમાં વધુ ચર્ચાસ્પદ બને તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Surat News : ભાડા વિધેયક-2026નો વિરોધ ઉગ્ર બન્યો, સુરતના વકીલો આજે પણ હડતાળ પર

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે