Get News Alerts

Never miss breaking news updates.

Surat News : ભાડા વિધેયક-2026નો વિરોધ ઉગ્ર બન્યો, સુરતના વકીલો આજે પણ હડતાળ પર

Surat News : સુરતમાં ગુજરાત ભાડા વિધેયક બિલ-2026ને લઈને વકીલોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 05 Oct 2026 12:57 PM IST
Surat News : ભાડા વિધેયક-2026નો વિરોધ ઉગ્ર બન્યો, સુરતના વકીલો આજે પણ હડતાળ પરSurat News : ભાડા વિધેયક-2026નો વિરોધ ઉગ્ર બન્યો, સુરતના વકીલો આજે પણ હડતાળ પર

Surat Advocate Strike

Surat News : સુરતમાં ગુજરાત ભાડા વિધેયક બિલ-2026ને લઈને વકીલોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. આજે પણ સુરતના વકીલો કોર્ટની કામગીરીથી અળગા રહ્યા હતા અને કોર્ટ બહાર એકત્ર થઈ સૂત્રોચ્ચાર તથા નારેબાજી કરીને વિધેયક સામે વિરોધ નોંધાવ્યો હતો. વકીલોના વિરોધના પગલે કોર્ટમાં આવતા અનેક પક્ષકારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

બિલ અંગેની ચિંતાઓ અને વિરોધના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા

વકીલોનો મુખ્ય વિરોધ ભાડૂત અને મકાન માલિક વચ્ચેના તકરારી કેસોની સત્તા જ્યુડિશિયલ કોર્ટ પાસેથી લઈ અન્ય વહીવટી તંત્રને સોંપવાના મુદ્દે હોવાનું સામે આવ્યું છે. વકીલોનો આક્ષેપ છે કે આવા કેસોની સત્તા કલેક્ટર અથવા મામલતદાર કચેરીને આપવામાં આવતા ન્યાયિક પ્રક્રિયા અંગે અનેક પ્રશ્નો ઊભા થઈ શકે છે. આ મુદ્દે સુરતના વકીલોએ કોર્ટ બહાર જોરદાર વિરોધ નોંધાવ્યો હતો.

વકીલોએ સૂત્રોચ્ચાર કરી પોતાની માંગણીઓ અને વાંધાઓ રજૂ કર્યા હતા. વકીલોની હડતાળને કારણે નિયમિત કોર્ટ કામગીરી પર પણ અસર જોવા મળી રહી છે. દરમિયાન આ સમગ્ર મુદ્દે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા રાજ્યના નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત વર્ચ્યુઅલ મિટિંગના માધ્યમથી કરવામાં આવી હતી. બેઠક દરમિયાન વકીલ સંગઠન દ્વારા ભાડા વિધેયક બિલ અંગેની ચિંતાઓ અને વિરોધના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા.

નાયબ મુખ્યમંત્રી દ્વારા વકીલોની રજૂઆત પ્રત્યે સકારાત્મક અભિગમ દર્શાવવામાં આવ્યો છે

હવે આ મુદ્દે આવતીકાલે ફરી ગુજરાત બાર કાઉન્સિલના પ્રતિનિધિઓ અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે બેઠક યોજાવાની છે. આવતીકાલની બેઠકમાં ભાડા વિધેયક અંગે કોઈ સુખદ ઉકેલ આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, અંતિમ નિર્ણય બેઠક બાદ જ સ્પષ્ટ થશે. સુરતમાં આજે પણ વકીલો કામથી અળગા રહેતા હોવાથી વિવિધ કોર્ટમાં પોતાના કેસ માટે આવતા પક્ષકારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વકીલ સંગઠનો દ્વારા સરકાર સમક્ષ પોતાના વાંધાઓનું નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી રહી છે. હવે સૌની નજર આવતીકાલે યોજાનારી મહત્વપૂર્ણ બેઠક પર છે. જો સરકાર અને વકીલ સંગઠન વચ્ચે સહમતી બને તો હડતાળનો અંત આવે અને કોર્ટની કામગીરી ફરી સામાન્ય બને તેવી શક્યતા છે. બીજી તરફ, જો કોઈ સંતોષકારક ઉકેલ નહીં આવે તો વકીલોનો વિરોધ આગળ પણ ચાલુ રહે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

આ પણ વાંચો : Surat News : 14 માગણીઓ સાથે મહેસૂલ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા, મહેસૂલ કચેરીઓમાં સરકારી કામ પર દેખાઈ અસર

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે