Get News Alerts

Never miss breaking news updates.

AI Robot સુરતમાં ગરબા રમે છે! રાજસ્થાની પાઘડી પહેરીને હ્યુમનોઇડ રોબોટે મચાવી ધૂમ

AI Robot: ગુજરાતની પરંપરાગત નવરાત્રીમાં આ વર્ષે ટેક્નોલોજીનો અનોખો રંગ જોવા મળી રહ્યો છે. સુરતમાં ગરબાના મેદાનમાં ખેલૈયાઓ સાથે હવે એક હ્યુમનોઇડ રોબોટ પણ ગરબા રમતો જોવા મળી રહ્યો છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 08 Oct 2026 02:09 PM IST
AI Robot સુરતમાં ગરબા રમે છે! રાજસ્થાની પાઘડી પહેરીને હ્યુમનોઇડ રોબોટે મચાવી ધૂમAI Robot સુરતમાં ગરબા રમે છે! રાજસ્થાની પાઘડી પહેરીને હ્યુમનોઇડ રોબોટે મચાવી ધૂમ

AI Robot

AI Robot: ગુજરાતની પરંપરાગત નવરાત્રીમાં આ વર્ષે ટેક્નોલોજીનો અનોખો રંગ જોવા મળી રહ્યો છે. સુરતમાં ગરબાના મેદાનમાં ખેલૈયાઓ સાથે હવે એક હ્યુમનોઇડ રોબોટ પણ ગરબા રમતો જોવા મળી રહ્યો છે. ચીનથી ખાસ ઇમ્પોર્ટ કરાયેલો આ અત્યાધુનિક રોબોટ પરંપરાગત વસ્ત્રો અને માથા પર રાજસ્થાની પાઘડી પહેરીને આબેહૂબ ખેલૈયાના અવતારમાં ગરબા ગ્રાઉન્ડમાં પહોંચી રહ્યો છે. ‘ટ્રેડિશન વિથ ટેક્નોલોજી’ના આ અનોખા સંગમને જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

4.3 ફૂટનો રોબોટ, 35 કિલો વજન

સુરતના પિનલ બારોટ દ્વારા લાવવામાં આવેલો આ રોબોટ વિશ્વપ્રસિદ્ધ કંપની Unitree Roboticsનું Unitree G1 મોડેલ હોવાનું જણાવાયું છે. તેની ઊંચાઈ આશરે 4.3 ફૂટ એટલે કે 132 સેન્ટિમીટર અને વજન લગભગ 35 કિલોગ્રામ છે.

આ રોબોટની ખાસિયત એ છે કે તેને ફોલ્ડ કરીને માત્ર 69 સેન્ટિમીટર સુધી નાનો કરી શકાય છે. એટલે તેને એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી લઈ જઈ શકાય છે. રોબોટ માણસની જેમ ચાલવા ઉપરાંત દોડી શકે છે, બેસી શકે છે અને પડી જાય તો કોઈના સહારા વિના ફરીથી ઊભો થઈ શકે છે.

છત્રી સાથે ગરબાના સ્ટેપ્સ, ડાન્સ અને કરાટે પણ કરે છે

ગરબા ગ્રાઉન્ડ પર આ હ્યુમનોઇડ માત્ર લોકોનું ધ્યાન ખેંચવા માટે ઊભો નથી રહેતો. તે હાથમાં રંગબેરંગી શણગારેલી છત્રી લઈને ગરબાના પરંપરાગત સ્ટેપ્સ, ડાન્સ, કરાટે અને વિવિધ શારીરિક મુવમેન્ટ્સ કરીને લોકોને મનોરંજન પૂરું પાડે છે.

રિમોટ કંટ્રોલ અને AI ટેક્નોલોજીની મદદથી તેને નિયંત્રિત કરવામાં આવે છે. ખેલૈયાઓ અને મુલાકાતીઓ સાથે હેન્ડશેક કરવો, હગ કરવું અને લોકોને વેલકમ કરવું જેવી તેની મૂવમેન્ટ્સ પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. સામાન્ય તાપમાનમાં રોબોટ સતત આશરે 2થી 3 કલાક સુધી પરફોર્મ કરી શકે છે.

લગ્નથી લઈને કોર્પોરેટ ઈવેન્ટ સુધી ડિમાન્ડ

આ હાઇટેક રોબોટનો ઉપયોગ માત્ર નવરાત્રી પૂરતો મર્યાદિત નથી. લગ્નપ્રસંગોમાં મહેમાનોના અનોખા સ્વાગત, સ્ટેજ પર ડાન્સ અને વરમાળા લાવવા માટે પણ તેનો ઉપયોગ થઈ રહ્યો છે. આ ઉપરાંત કોર્પોરેટ ઈવેન્ટ્સ અને શાળાઓમાં વિદ્યાર્થીઓને AI તથા ડિજિટલ ટેક્નોલોજી અંગે માહિતી આપવા માટે પણ તેની ડિમાન્ડ હોવાનું જણાવાયું છે.

કિંમત ₹35થી ₹45 લાખ, એક દિવસનું ભાડું આશરે ₹1 લાખ

આ હ્યુમનોઇડ રોબોટની અંદાજિત કિંમત ₹35થી ₹45 લાખ હોવાનું જણાવવામાં આવ્યું છે. જ્યારે કોઈ ઈવેન્ટ માટે તેને એક દિવસ માટે બુક કરાવવાનો ચાર્જ આશરે ₹1 લાખ જેટલો હોવાનું કહેવાય છે.

નવરાત્રીના 9 દિવસનું બુકિંગ ફુલ, આગામી વર્ષ માટે પણ ક્રેઝ

પિનલ બારોટના જણાવ્યા મુજબ, ચાલુ નવરાત્રીના તમામ 9 દિવસ માટે રોબોટનું બુકિંગ પહેલેથી જ ફુલ થઈ ગયું હતું. લોકોમાં આ હાઇટેક ખેલૈયાનો ક્રેઝ એટલો વધ્યો છે કે આગામી વર્ષ માટે પણ અત્યારથી જ એડવાન્સ બુકિંગ થઈ ગયું હોવાનું જણાવાયું છે.

આ પ્રતિસાદને જોતા ‘ફ્લેગશિપ રોબો’ દ્વારા આગામી વર્ષે વધુ અલગ પ્રકારના અને અદ્યતન રોબોટ્સ ભારતમાં લાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એટલે આવનારા સમયમાં ગરબાના મેદાનમાં પરંપરા સાથે ટેક્નોલોજીનો આ સંગમ વધુ જોવા મળે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Heart Health: હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ એક નથી! જાણો બંને વચ્ચેનો તફાવત

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.