Get News Alerts

Never miss breaking news updates.

સુરત શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં આરોપી ઝડપાયો, પેટ્રોલ છાંટી આગ લગાવ્યાનો પોલીસનો દાવો

Surat Shyam Sangini Market Fire Case: સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના મામલામાં ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, વિનોદ સાવલે નામના વ્યક્તિએ...
R Gajjar
R GajjarUpdated on: 21 Sep 2026 07:02 PM IST
સુરત શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં આરોપી ઝડપાયો, પેટ્રોલ છાંટી આગ લગાવ્યાનો પોલીસનો દાવોસુરત શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં આરોપી ઝડપાયો, પેટ્રોલ છાંટી આગ લગાવ્યાનો પોલીસનો દાવો

Surat Shyam Sangini Market Fire Case

Surat Shyam Sangini Market Fire Case: સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના મામલામાં ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, વિનોદ સાવલે નામના વ્યક્તિએ પેટ્રોલ છાંટીને આગ લગાવી હોવાનું સામે આવ્યું છે.

શ્યામ સંગીની માર્કેટમાં એકાઉન્ટન્ટ તરીકે કરતો હતો નોકરી

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, આરોપી વિનોદ સાવલે અગાઉ શ્યામ સંગીની માર્કેટના છઠ્ઠા માળે આવેલી જગદંબા નામની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. ત્યાં તેને રૂ.30 હજાર જેટલો માસિક પગાર મળતો હતો. જોકે, કોઈ કારણસર તેણે નોકરી છોડી દીધી હતી. નોકરી છોડ્યા બાદ તેના રૂ.10 હજાર બાકી હોવાના મુદ્દે દુકાન માલિક સાથે વિવાદ ચાલતો હોવાનો પોલીસનો દાવો છે.

રૂ.10 હજારના વિવાદ બાદ આગ લગાવવાનો પ્લાન

પોલીસના જણાવ્યા મુજબ, બાકી રહેલા રૂ.10 હજારને લઈને દુકાન માલિક સાથે થયેલા વિવાદ બાદ આરોપીએ તેને પાઠ ભણાવવાના ઇરાદે આગ લગાવવાનું નક્કી કર્યું હતું. આ માટે આરોપીએ દેવધ ગામના એક પેટ્રોલ પંપ પરથી અંદાજે રૂ.100થી રૂ.150નું પેટ્રોલ ખરીદ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

મોડી રાત્રે પેટ્રોલ છાંટી આગ લગાવી ફરાર

પોલીસના જણાવ્યા મુજબ, પેટ્રોલ લઈને આરોપી શ્યામ સંગીની માર્કેટમાં આવ્યો હતો અને ત્યાં છુપાઈ રહ્યો હતો. ત્યારબાદ મોડી રાત્રે 12 વાગ્યા બાદ દુકાનની બહાર મુકેલા સામાન પર પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી હતી. આગ લગાવ્યા બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બાદમાં આગ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાની જાણ થતાં તેણે સુરત છોડ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

સુરતથી રાજસ્થાન, ત્યારબાદ અયોધ્યા પહોંચ્યો

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી ફરાર થઈને રાજસ્થાન પહોંચ્યો હતો અને ત્યાં બે દિવસ રોકાયો હતો. ત્યારબાદ તે અયોધ્યા ગયો હતો, જ્યાં પણ બે-ત્રણ દિવસ રોકાયા બાદ પોતાના વતન ગયો હતો. ત્યારબાદ ફરી રાજસ્થાન પહોંચીને બે દિવસ રોકાયા બાદ આરોપી સુરત પરત ફર્યો હતો.

ડિંડોલીના ફ્લાવર ગાર્ડન પાસેથી ધરપકડ

સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીની હિલચાલ અંગે માહિતી મેળવી તપાસ આગળ ધપાવી હતી. અંતે ડિંડોલીના ફ્લાવર ગાર્ડન પાસેથી વિનોદ સાવલેને ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આગ લગાવવાનું ચોક્કસ કારણ, નુકસાનની વિગતો તથા ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]