Surat RTO News: દિવાળી પહેલા સુરત RTOનો મોટો નિર્ણય, હવે શનિવાર-રવિવાર પણ કચેરી ચાલુ રહેશે


Surat RTO News
Surat RTO News: દિવાળી પહેલા સુરત RTOનો મોટો નિર્ણય, હવે શનિવાર-રવિવાર પણ કચેરી ચાલુ રહેશે


Surat RTO News
Surat RTO News: દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO) દ્વારા વાહનચાલકો અને અરજદારોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે દિવાળી પહેલા શનિવાર અને રવિવારના રોજ પણ RTO કચેરી કાર્યરત રહેશે. આ ઉપરાંત ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક પણ બંને દિવસ ખુલ્લા રાખવામાં આવશે. RTOના આ નિર્ણયથી વાહનચાલકો અને ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા ઈચ્છુક ઉમેદવારોને મોટી રાહત મળશે.
RTO કચેરીમાં અરજદારોની સંખ્યામાં વધારો
આ અંગે આસિસ્ટન્ટ RTO અધિકારી નારાયણસિંહ સોલંકીએ નિર્ણયની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દિવાળીના તહેવારો દરમિયાન RTO કચેરીમાં અરજદારોની સંખ્યામાં વધારો થતો હોય છે. ખાસ કરીને વાહનોની નોંધણી, ડ્રાઈવિંગ લાઈસન્સ અને અન્ય વાહન સંબંધિત કામગીરી માટે મોટી સંખ્યામાં અરજદારો કચેરીનો સંપર્ક કરતા હોય છે. દિવાળીના તહેવાર દરમિયાન લોકો નવી ગાડીઓની ખરીદી કરતા હોવાથી વાહનોની નોંધણીની કામગીરીમાં પણ વધારો થાય છે. બીજી તરફ ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા માટેની અરજીઓ અને ડ્રાઈવિંગ ટેસ્ટ આપનારા ઉમેદવારોની સંખ્યા પણ વધતી હોય છે.
ફરજિયાત ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લેવાની રહેશે
આવી સ્થિતિમાં અરજદારોને સમયસર સરકારી સેવાઓ મળી રહે અને તેમની કામગીરી અટવાય નહીં તે હેતુથી RTO દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળી પહેલા વધુમાં વધુ અરજદારોના કામ પૂર્ણ કરી શકાય તે માટે કચેરી દ્વારા સ્ટાફની યોગ્ય ગોઠવણ પણ કરવામાં આવી છે. શનિવાર અને રવિવારના રોજ પણ અરજદારોને RTOની વિવિધ સેવાઓનો લાભ મળી શકશે. ખાસ કરીને ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાના બાકી હોય તેવા ઉમેદવારો માટે આ નિર્ણય ઉપયોગી સાબિત થશે.
જોકે, અરજદારોએ RTOની સેવાઓ મેળવવા માટે ફરજિયાત ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લેવાની રહેશે. અપોઈન્ટમેન્ટના આધારે જ અરજદારો પોતાની કામગીરી પૂર્ણ કરાવી શકશે. આમ, દિવાળીના તહેવાર પહેલા સુરત RTOના આ નિર્ણયથી વાહનચાલકોને રજાના દિવસોમાં પણ સરકારી સેવાઓનો લાભ મળશે અને કચેરીમાં વધતા કામના ભારણને પહોંચી વળવામાં મદદ મળશે.
આ પણ વાંચો: Gandhinagar News: ગાંધીનગર મનપાનો આઉટસોર્સ કર્મચારી રૂપિયા 22,000ની લાંચ લેતા ઝડપાયો





