Gandhinagar News: ગાંધીનગર મનપાનો આઉટસોર્સ કર્મચારી રૂપિયા 22,000ની લાંચ લેતા ઝડપાયો


Gandhinagar News
Gandhinagar News: ગાંધીનગર મનપાનો આઉટસોર્સ કર્મચારી રૂપિયા 22,000ની લાંચ લેતા ઝડપાયો


Gandhinagar News
Gandhinagar News: ગાંધીનગર મહાનગરપાલિકાની સીએનડી (CND) શાખામાં ફરજ બજાવતા વર્ગ-3ના આઉટસોર્સ કર્મચારીને લાંચ લેતા ગાંધીનગર એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો છે. લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જયદિપસિંહ રામસિંહ રાજપૂત રૂપિયા 22,000ની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા છે. આ કાર્યવાહીથી મહાનગરપાલિકાના વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે.
આરોપીએ ફરિયાદી પાસે રૂપિયા 40,000ની લાંચ માગી હતી
મળતી વિગતો અનુસાર, આરોપી કર્મચારી જયદિપસિંહ રાજપૂતે ફરિયાદીના ઢોર પકડીને તેમની સામે કેસ નહીં કરવા તેમજ દિવાળીના હપ્તા પેટે લાંચની માગણી કરી હતી. શરૂઆતમાં આરોપીએ ફરિયાદી પાસે રૂપિયા 40,000ની લાંચ માગી હતી. જોકે, આ મામલે બંને વચ્ચે રકઝક થયા બાદ અંતે રૂપિયાા 22,000ની રકમ નક્કી કરવામાં આવી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે ગાંધીનગર એન્ટી કરપ્શન બ્યુરો (ACB)નો સંપર્ક કરીને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ગાંધીનગર એસીબીની ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આયોજન મુજબ સેક્ટર-28માં આવેલા ગાર્ડનની પાછળના રોડ પર એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું.
ઢોર નહીં પકડવા અને કેસ નહીં કરવા બદલ લાંચ માગી હતી
આ દરમિયાન ફરિયાદી પાસેથી નક્કી કરેલી રૂપિયા 22,000ની લાંચની રકમ સ્વીકારતા જ લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર જયદિપસિંહ રામસિંહ રાજપૂતને એસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. લાંચ લેતા ઝડપાયેલા આરોપી કર્મચારીની એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરકારી કામગીરીના નામે ઢોર નહીં પકડવા અને કેસ નહીં કરવા બદલ દિવાળીના હપ્તા તરીકે લાંચ માગવાનો આ કિસ્સો સામે આવતા ભ્રષ્ટાચાર સામે એસીબીની કાર્યવાહી ફરી ચર્ચામાં આવી છે. હાલ એસીબી દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.





