Surat Raid: સુરતમાં ફૂડ વિભાગ અને ક્રાઈમ બ્રાન્ચના દરોડા, 398 કિલો પનીરનો જથ્થો સીઝ

Surat Raid: સુરત શહેરમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને શુદ્ધતા જાળવવા માટે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Kunjan Shukla
Surat Food Department Raid NewsSurat Food Department Raid News

Surat Food Department Raid News

Surat Raid: સુરત શહેરમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને શુદ્ધતા જાળવવા માટે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ન્યૂ બમરોલી રોડ પર આવેલા એસીયાડ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સ્થિત 'અમૃત મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ' ખાતે બંને વિભાગે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન સ્થળ પરથી 398 કિલોગ્રામ લો ફેટ ફ્રેશ પનીરનો જથ્થો મળી આવતાં તેને સીઝ કરવામાં આવ્યો છે.

પનીરના નમૂના પણ લેવામાં આવ્યા

મળતી માહિતી અનુસાર, સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સંયુક્ત રીતે આ કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અમૃત મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટના સ્થળેથી મોટા પ્રમાણમાં લો ફેટ ફ્રેશ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. અધિકારીઓએ સ્થળ પર તપાસ કરતાં કુલ 398 કિલોગ્રામ પનીરનો જથ્થો કબજે કરી સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. સીઝ કરવામાં આવેલા પનીરના જથ્થાની બજાર કિંમત અંદાજે રૂપિયા 1,11,400 હોવાનું જાણવા મળ્યું છે. કાર્યવાહી દરમિયાન ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા પનીરના નમૂના પણ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ સેમ્પલને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

અંતિમ નિર્ણય લેબોરેટરીના રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે

હવે લેબોરેટરીમાંથી મળનારા રિપોર્ટ પર સૌની નજર રહેશે. પનીરના સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ જો ખાદ્યપદાર્થની ગુણવત્તા કે સલામતી અંગે નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું સામે આવશે તો સંબંધિત એકમ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીને પગલે ખાદ્યપદાર્થોના વેપારીઓમાં પણ ચર્ચા શરૂ થઈ છે. તહેવારો અને દૈનિક વપરાશ દરમિયાન લોકો સુધી ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત ખાદ્યપદાર્થો પહોંચે તે માટે તંત્ર દ્વારા તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે, પનીર ભેળસેળયુક્ત કે અસુરક્ષિત છે કે નહીં તે અંગેનો અંતિમ નિર્ણય લેબોરેટરીના રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: Junagadh Moneylenders Case: જૂનાગઢમાં વ્યાજખોરોનો આતંક, પિતા-પુત્રને જાનથી મારી નાખવાની ધમકી, 8 આરોપીઓ સામે ગુનો