Surat News : સુરતમાં લેઉવા પટેલ સમાજ માટે 'કંકાવટી વેવિશાળ પરિચય કેન્દ્ર' શરૂ, પ્રથમ સપ્તાહમાં 700 ફોર્મ નોંધાયા


Surat News કંકાવટી વેવિશાળ પરિચય કેન્દ્ર સુરતમાં શરૂ
Surat News : સુરતમાં લેઉવા પટેલ સમાજ માટે 'કંકાવટી વેવિશાળ પરિચય કેન્દ્ર' શરૂ, પ્રથમ સપ્તાહમાં 700 ફોર્મ નોંધાયા


Surat News કંકાવટી વેવિશાળ પરિચય કેન્દ્ર સુરતમાં શરૂ
Surat News : સુરતના જમનાબા વિદ્યાર્થી ભવન ખાતે શરૂ કરાયેલું આ કેન્દ્ર વિશ્વભરમાં વસતા લેઉવા પટેલ સમાજના લોકો માટે ઓનલાઈન પણ ઉપલબ્ધ રહેશે. કેન્દ્ર શરૂ થયાના પ્રથમ અઠવાડિયામાં જ 700 જેટલા ફોર્મ ભરાયા છે.
આજના સમયમાં યુવક-યુવતીઓના ઉચ્ચ શિક્ષણ, કારકિર્દી અને વિદેશ ગમન સહિતના કારણોસર લગ્ન માટે યોગ્ય પાત્ર શોધવાની પ્રક્રિયા લાંબી બની રહી છે. ખાસ કરીને દીકરીઓના શિક્ષણ અને કારકિર્દીને પ્રાથમિકતા આપવાના કારણે લગ્નની ઉંમર વધતી હોવાની સ્થિતિમાં વાલીઓને યોગ્ય જીવનસાથી શોધવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સામાજિક સમસ્યાના ઉકેલ માટે કંકાવટી પરિચય કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.
વિનામૂલ્યે મળશે લગ્ન પરિચય સેવા
આ કેન્દ્રમાં લેઉવા પટેલ સમાજના યુવક-યુવતીઓ માટે વિનામૂલ્યે નોંધણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વિશ્વના કોઈપણ સ્થળે વસતા સમાજના લોકો ઓનલાઈન માધ્યમથી પણ પોતાનું નામ અને બાયોડેટા નોંધાવી શકશે. આ રીતે સ્થાનિક સ્તરથી લઈને વિદેશમાં વસતા સમાજના પરિવારોને પણ એક જ પ્લેટફોર્મ પર જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેન્દ્રની કામગીરીમાં 15 નિવૃત્ત અધિકારીઓની ટીમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ ટીમ દ્વારા યુવક-યુવતીઓના બાયોડેટાની ચકાસણી કરવામાં આવશે. સાથે જ યોગ્ય પાત્ર પસંદ કરવામાં પરિવારોને મદદરૂપ થવા માટે કાઉન્સેલિંગ અને પરિચયની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બંને પક્ષોની યોગ્યતા અને પસંદગીને ધ્યાનમાં રાખીને મેળ બેસાડવાના પ્રયાસો કરવામાં આવશે.
વિશ્વભરમાંથી ઓનલાઈન નોંધણી કરી શકાશે
આ કેન્દ્ર શરૂ થયાના પ્રથમ અઠવાડિયામાં જ 700 જેટલા ફોર્મ નોંધાયા છે. આ આંકડામાં સૌથી વધુ નોંધણી યુવકોની રહી છે. કુલ ફોર્મમાંથી આશરે 90 ટકા ફોર્મ યુવકોના જ્યારે માત્ર 10 ટકા ફોર્મ યુવતીઓના હોવાનું જાણવા મળ્યું છે. આ અસમાન નોંધણીનો આંકડો પણ ચર્ચાનો વિષય બન્યો છે. કંકાવટી વેવિશાળ પરિચય કેન્દ્રનો મુખ્ય હેતુ સમાજના યુવક-યુવતીઓને યોગ્ય જીવનસાથી શોધવા માટે વિશ્વસનીય અને સુવ્યવસ્થિત પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.
વિનામૂલ્યે નોંધણી, બાયોડેટાની ચકાસણી અને નિવૃત્ત અધિકારીઓનું માર્ગદર્શન આ પહેલની વિશેષતા છે. સુરતથી શરૂ થયેલી આ પહેલ વિશ્વભરમાં વસતા લેઉવા પટેલ પરિવારોને એકસાથે જોડવામાં અને લગ્ન સંબંધિત યોગ્ય પરિચયની પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદરૂપ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.





