Jamnagar Water Wastage: જામનગરમાં પાણીનો બગાડ કરનારાઓ સામે મનપાની લાલ આંખ, રૂપિયા 75,950નો દંડ વસૂલ્યો


Jamnagar Water Wastage News
Jamnagar Water Wastage: જામનગરમાં પાણીનો બગાડ કરનારાઓ સામે મનપાની લાલ આંખ, રૂપિયા 75,950નો દંડ વસૂલ્યો


Jamnagar Water Wastage News
Jamnagar Water Wastage: જામનગર શહેરમાં પાણીનો બગાડ કરતા આસામીઓ સામે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં કિંમતી જળસંપત્તિનો બિનજરૂરી વેડફાટ અટકાવવા માટે જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં પાણીનો બગાડ કરનારા કુલ 663 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે તેમની પાસેથી કુલ રૂપિયા 75,950નો દંડ વસૂલવામાં આવ્યો છે.
18 આસામીઓના નળ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા
મ્યુનિસિપલ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વોટર વર્કસ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે. પાણીનો બિનજરૂરી ઉપયોગ કરનારા અને વારંવાર ચેતવણી આપવા છતાં પાણીનો બગાડ ચાલુ રાખનારા લોકો સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવી રહ્યાં છે. મનપાની કડક કાર્યવાહી હેઠળ અત્યાર સુધીમાં 18 આસામીઓના નળ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે.
બિનજરૂરી વેડફાટ ટાળવા અપીલ
મહાનગરપાલિકા દ્વારા શહેરના કુલ 13 ઝોનમાં આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં સૌથી વધુ ગોકુલ નગર ઝોનમાં 143 આસામીઓને નોટિસ આપવામાં આવી છે. ત્યારબાદ સમર્પણ ઝોનમાં 88, ગુલાબનગરમાં 83 અને રવિ પાર્ક ઝોનમાં 73 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત જામનું ડેરુ/પાબારી ઝોનમાં 50, શંકર ટેકરી અને મહાપ્રભુજી બેઠક ઝોનમાં 41-41, રણજીતનગર અને જ્ઞાનગંગા ઝોનમાં 33-33, સોલેરિયમ અને નવાગામ ઝોનમાં 23-23 તેમજ બેડી અને પવનચક્કી ઝોનમાં 16-16 આસામીઓને નોટિસ આપવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને બિનજરૂરી વેડફાટ ટાળવા અપીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ પાણીનો બગાડ કરતા લોકો સામે ચેકિંગ અને દંડાત્મક કાર્યવાહી યથાવત્ રાખવામાં આવશે.





