India FTA Network : ભારતના વધતા FTA નેટવર્કથી ગુજરાતના ઉદ્યોગોને મોટો ફાયદો, વૈશ્વિક બજારમાં નિકાસની તકો વધશે


India FTA Network ગુજરાત બનશે વૈશ્વિક ટ્રેડિંગ હબ
India FTA Network : ભારતના વધતા FTA નેટવર્કથી ગુજરાતના ઉદ્યોગોને મોટો ફાયદો, વૈશ્વિક બજારમાં નિકાસની તકો વધશે


India FTA Network ગુજરાત બનશે વૈશ્વિક ટ્રેડિંગ હબ
India FTA Network : આ વધતા વેપાર નેટવર્કથી ગુજરાતના મેન્યુફેક્ચરિંગ, સર્વિસ અને MSME ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય બજારોમાં નવી તકો મળી શકે છે. આગામી 10થી 12 જાન્યુઆરી, 2027 દરમિયાન યોજાનારી 11મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પણ FTA અને વૈશ્વિક વેપાર ભાગીદારી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
ગુજરાત દેશનું અગ્રણી નિકાસકાર રાજ્ય છે. રાજ્યની કુલ માલસામાનની નિકાસમાં દેશની સરખામણીએ આશરે 25 ટકા હિસ્સો ગુજરાતનો હોવાનું જણાવાયું છે. નાણાકીય વર્ષ 2025-26માં ગુજરાતે 110.6 અબજ અમેરિકી ડોલરની વસ્તુઓની નિકાસ કરી હતી. રાજ્યની નિકાસ FY 2013-14માં રૂ. 4.44 લાખ કરોડ હતી, જે FY 2025-26માં વધીને રૂ. 9.77 લાખ કરોડ સુધી પહોંચી છે.
FTAથી નિકાસને નવી ગતિ
ગુજરાત પહેલેથી જ ભારતના FTA ભાગીદાર દેશોમાં આશરે 37.8 અબજ અમેરિકી ડોલરની નિકાસ કરે છે. આ રાજ્યની કુલ નિકાસનો લગભગ 34 ટકા હિસ્સો છે. FTA ભાગીદાર દેશોના બજારોમાં ગુજરાતના સંબંધિત ક્ષેત્રો માટે આયાતની માંગ 1.08 ટ્રિલિયન અમેરિકી ડોલરથી વધુ હોવાનો અંદાજ છે.
આથી ગુજરાતના ઉદ્યોગો માટે નિકાસ વિસ્તરણની મોટી સંભાવનાઓ ઊભી થઈ શકે છે. મુક્ત વેપાર કરારોના કારણે ભાગીદાર દેશો વચ્ચે વેપારની અડચણો અને આયાત શુલ્ક ઘટાડવામાં મદદ મળે છે. નવી પેઢીના FTA માત્ર ટેરિફ ઘટાડવા પૂરતા મર્યાદિત નથી, પરંતુ ડિજિટલ વેપાર, રોકાણ, ટેક્નોલોજી, સંશોધન, રેગ્યુલેટરી સહયોગ અને ગ્લોબલ વેલ્યુ ચેઇન સાથે જોડાવાની તકો પણ ઊભી કરે છે.
ગુજરાતના MSMEથી મોટા ઉદ્યોગો સુધીને મળશે તક
ગુજરાતના કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, મરીન પ્રોડક્ટ્સ, એગ્રો-પ્રોસેસ્ડ ફૂડ, જેમ્સ અને જ્વેલરી, ટેક્સટાઇલ, ગાર્મેન્ટ્સ, એન્જિનિયરિંગ અને ઓટોમોબાઇલ ક્ષેત્રોને આ કરારોનો લાભ મળી શકે છે. ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો માટે આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચ સરળ બનવાની શક્યતા છે. કાપડ, ચામડાની વસ્તુઓ અને હસ્તકળા ક્ષેત્રના ઉત્પાદકોને પણ સ્પર્ધાત્મક કિંમતે નિકાસ કરવાની તક મળી શકે છે. છેલ્લાં વર્ષોમાં ભારતે મોરિશિયસ, UAE, ઓસ્ટ્રેલિયા, EFTA દેશો, બ્રિટન અને ઓમાન સહિતના વેપારી ભાગીદારો સાથે વિવિધ કરારો કર્યા છે.
યુરોપિયન યુનિયન અને ન્યૂઝીલેન્ડ સાથેના વેપાર કરારો અંગે પણ મહત્વપૂર્ણ પ્રગતિ થઈ હોવાની માહિતી આપવામાં આવી છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 દરમિયાન વિશેષ સત્રો દ્વારા રાજ્યના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય બજારો સાથે જોડવા, રોકાણ આકર્ષવા અને નિકાસ ક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવશે. આ રીતે FTA નેટવર્ક ગુજરાતને માત્ર નિકાસકાર રાજ્ય જ નહીં, પરંતુ વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગ હબ તરીકે વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ તક પૂરી પાડી શકે છે.





