Junagadh Moneylenders Case: જૂનાગઢમાં વ્યાજખોરોનો આતંક, પિતા-પુત્રને જાનથી મારી નાખવાની ધમકી, 8 આરોપીઓ સામે ગુનો


Junagadh Money lenders Case News
Junagadh Moneylenders Case: જૂનાગઢમાં વ્યાજખોરોનો આતંક, પિતા-પુત્રને જાનથી મારી નાખવાની ધમકી, 8 આરોપીઓ સામે ગુનો


Junagadh Money lenders Case News
Junagadh Moneylenders Case: જૂનાગઢમાં વ્યાજખોરોના ત્રાસનો ગંભીર મામલો સામે આવ્યો છે. વ્યાજે આપેલા નાણાં અને તેનું વ્યાજ ચૂકવી દીધા હોવા છતાં વધુ નાણાંની માગણી કરી પિતા-પુત્રને હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે જૂનાગઢ રેન્જના ડીઆઈજી દ્વારા પણ માહિતી આપવામાં આવી છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસે કુલ 8 આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જમીનના દસ્તાવેજો પણ પડાવી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ
મળતી માહિતી અનુસાર, ફરિયાદીના પિતાએ કેટલાક વ્યક્તિઓ પાસેથી વ્યાજે નાણાં લીધા હતા. જોકે, લીધેલી રકમ અને તેના પરનું વ્યાજ ચૂકવી દીધા હોવા છતાં આરોપીઓ દ્વારા વધુ નાણાની માગણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં, વધુ વ્યાજ વસૂલવા માટે ફરિયાદીના પિતા પાસેથી દુકાન, પ્લોટ અને જમીનના દસ્તાવેજો પણ પડાવી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે.
આ ઉપરાંત આરોપીઓએ ફોન કોલ અને મેસેજ મારફતે પિતા-પુત્રને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદીના પિતા પાસેથી કોરા ચેક અને પ્રોમિસરી નોટ પણ લખાવી લેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. આ સમગ્ર મામલે જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. કુલ 8 આરોપીઓ સામે ગુનો નોંધી વ્યાજખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વ્યાજખોરી સંબંધિત કુલ 5 ગુના નોંધવામાં આવ્યા
બીજી તરફ, વ્યાજખોરોના ત્રાસ સામે જૂનાગઢ પોલીસ દ્વારા વિશેષ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસની છેલ્લા 15 દિવસની ડ્રાઈવ દરમિયાન વ્યાજખોરી સંબંધિત કુલ 5 ગુના નોંધવામાં આવ્યા છે અને 8 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત લોકોને જાગૃત કરવા માટે કુલ 35 લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે વ્યાજખોરો દ્વારા ધમકી, દબાણ કે ગેરકાયદેસર નાણાંની માંગણી કરવામાં આવે તો નિર્ભય બની પોલીસનો સંપર્ક કરે.





