Surat News: પુષ્ય નક્ષત્રના શુભ સંયોગમાં ચોપડા ખરીદીનો માહોલ, બજારોમાં વેપારીઓની ભીડ


Surat News
Surat News: પુષ્ય નક્ષત્રના શુભ સંયોગમાં ચોપડા ખરીદીનો માહોલ, બજારોમાં વેપારીઓની ભીડ


Surat News
Surat News: સુરત શહેરમાં પુષ્ય નક્ષત્રના શુભ સંયોગને પગલે વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવા ગુજરાતી વર્ષ અને આગામી વેપારી વર્ષની તૈયારીઓના ભાગરૂપે સુરતના વિવિધ બજારોમાં ચોપડા ખરીદીનો માહોલ જામ્યો છે. સવારથી જ ચોપડાની દુકાનો પર વેપારીઓની અવરજવર જોવા મળી હતી. શુભ મુહૂર્તમાં નવા હિસાબી ચોપડા ખરીદવા માટે મોટી સંખ્યામાં વેપારીઓ બજારમાં ઉમટી પડ્યા હતા.
વેપારીઓએ ચોપડા અને ખાતાવહીની ખરીદી કરી
હિન્દુ ધર્મ અને વેપારી પરંપરા અનુસાર પુષ્ય નક્ષત્રને ખરીદી માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસે નવી વસ્તુઓની ખરીદી કરવી અને શુભ કાર્યોની શરૂઆત કરવી ફળદાયી માનવામાં આવે છે. આ જ ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખીને સુરતના વેપારીઓએ પણ નવા વર્ષના હિસાબની શરૂઆત માટે ચોપડા ખરીદવાની પરંપરા જાળવી રાખી હતી. બજારમાં ખાસ કરીને લાલ રંગના ચોપડા, રોજમેળ, ખાતાવહી અને વિવિધ પ્રકારની હિસાબી બુકની માગ જોવા મળી હતી. વેપારીઓએ પોતાની જરૂરિયાત મુજબ નવા ચોપડા અને ખાતાવહીની ખરીદી કરી હતી. દુકાનદારોના ત્યાં સવારથી જ ગ્રાહકોની ભીડ જોવા મળી હતી અને સમગ્ર બજારમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો.
આસ્થા, પરંપરા અને વેપારી ઉત્સાહનો અનોખો સંગમ
ખાસ વાત એ છે કે આજના ડિજિટલ યુગમાં મોટાભાગના વેપારીઓ હિસાબ-કિતાબ માટે કોમ્પ્યુટર અને મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે. તેમ છતાં પરંપરાગત ચોપડા ખરીદવાનું મહત્વ આજે પણ યથાવત્ છે. અનેક વેપારીઓ શુભ મુહૂર્તમાં ચોપડાની પૂજા કરીને નવા વર્ષના હિસાબની શરૂઆત કરવાની પરંપરા નિભાવે છે. વેપારીઓએ નવા વર્ષમાં ધંધા-રોજગારમાં પ્રગતિ, વધુ વેપાર અને આર્થિક સમૃદ્ધિની આશા સાથે ચોપડાની ખરીદી કરી હતી. આમ, સુરતમાં પુષ્ય નક્ષત્રના શુભ સંયોગે આસ્થા, પરંપરા અને વેપારી ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.





