Gujarat Jail : દિવાળી પર્વે ગુજરાતના 143 કેદીઓને 15 દિવસના પેરોલ મંજૂર, પરિવાર સાથે ઉજવશે તહેવાર


Gujarat Jail, જેલ કેદીઓને પેરોલ મળ્યા
Gujarat Jail : દિવાળી પર્વે ગુજરાતના 143 કેદીઓને 15 દિવસના પેરોલ મંજૂર, પરિવાર સાથે ઉજવશે તહેવાર


Gujarat Jail, જેલ કેદીઓને પેરોલ મળ્યા
Gujarat Jail : રાજ્યની વિવિધ જેલોમાં સજા ભોગવી રહેલા પાત્રતા ધરાવતા કુલ 143 કેદીઓને 15 દિવસના દિવાળી પેરોલ મંજૂર કરવામાં આવ્યા છે. આ નિર્ણયના પગલે કેદીઓને પરિવારજનો સાથે દિવાળીનો તહેવાર ઉજવવાની તક મળશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. રાજ્ય સરકારની માહિતી મુજબ, આ વર્ષે પેરોલનો લાભ મેળવનારા કેદીઓમાં 60 વર્ષ કે તેથી વધુ વયના 103 પુરુષ કેદીઓ અને 40 મહિલા કેદીઓનો સમાવેશ થાય છે. આ તમામ પાત્ર કેદીઓને ધનતેરસના દિવસથી એટલે કે 6 નવેમ્બર, 2026થી 15 દિવસ માટે પેરોલ પર મુક્ત કરવાનો નિર્ણય કરાયો છે. આ સમયગાળા દરમિયાન તેઓ પોતાના પરિવારજનો સાથે રહી શકશે અને દિવાળી સહિતના તહેવારોની ઉજવણી કરી શકશે.
ગંભીર ગુનાના કેદીઓને પેરોલ નહીં
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2003થી દર વર્ષે દિવાળીના તહેવાર નિમિત્તે પાત્રતા ધરાવતા કેદીઓને 15 દિવસની પેરોલ રજા આપવાની પરંપરા અમલમાં છે. જેલ સુધારણા અને કેદી કલ્યાણની પ્રવૃત્તિઓના ભાગરૂપે આ વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને મહિલા કેદીઓ અને 60 વર્ષ કે તેથી વધુ વયના પુરુષ કેદીઓને પરિવાર સાથે તહેવાર ઉજવવાની તક મળે તે આ નિર્ણયનો મુખ્ય હેતુ છે. જોકે, તમામ કેદીઓને આ પેરોલનો લાભ મળતો નથી. જેલ ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવે જણાવ્યું છે કે રાજ્ય સરકારના નિયમો અનુસાર ગંભીર ગુનાઓમાં સજા ભોગવી રહેલા અને નિર્ધારિત માપદંડોમાં આવતા કેદીઓને દિવાળી પેરોલ આપવામાં આવતી નથી.
143 પાત્ર કેદીઓને મળશે દિવાળી રજા
આ શ્રેણીમાં હાઇકોર્ટમાં અપીલ પેન્ડિંગ હોય તેવા કેદીઓ, એનઆરઆઈ તથા અન્ય રાજ્યના વતની કેદીઓ, NDPS એક્ટ, ટાડા અને પોટા હેઠળ સજા ભોગવતા કેદીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આતંકવાદી પ્રવૃત્તિઓ અથવા રાજ્યના અર્થતંત્રને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કેદીઓ, એકથી વધુ ગુનાઓમાં સજા પામેલા કેદીઓ તથા બળાત્કાર, અપહરણ, લૂંટ, ધાડ, ચોરી અને નાણાં પડાવવા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કેદીઓને પણ આ લાભ મળતો નથી. પ્રતિબંધાત્મક હુકમો લાગુ હોય તેવા કેદીઓ પણ પેરોલ માટે પાત્ર ગણાતા નથી. આમ, દિવાળી પર્વે 143 પાત્ર કેદીઓને મળેલી આ પેરોલથી તેઓને પરિવાર સાથે સમય વિતાવવાની તક મળશે. સાથે જ રાજ્ય સરકારની લાંબા સમયથી ચાલી આવતી કેદી કલ્યાણલક્ષી નીતિનો અમલ પણ ચાલુ રહેશે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





