સુરતમાં 4 બોગસ ડોક્ટર ઝડપાયા, 10થી 12 પાસ આરોપીઓ વર્ષોથી કરતા હતા એલોપેથી પ્રેક્ટિસ



Surat Bogus Doctors
સુરતમાં 4 બોગસ ડોક્ટર ઝડપાયા, 10થી 12 પાસ આરોપીઓ વર્ષોથી કરતા હતા એલોપેથી પ્રેક્ટિસ



Surat Bogus Doctors
Surat Bogus Doctors: સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરો સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પુણા-ઉમરવાડા વિસ્તારમાં ઝોન-1 એલસીબી અને પુણા પોલીસની ટીમે દરોડા પાડી કોઈપણ માન્ય તબીબી ડિગ્રી વગર એલોપેથી સારવાર કરતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે.

10થી 12 પાસ, છતાં વર્ષોથી કરતા હતા સારવાર
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા ચારેય આરોપીઓ પાસે કોઈ માન્ય તબીબી ડિગ્રી કે જરૂરી લાઇસન્સ નહોતું. આરોપીઓની શૈક્ષણિક લાયકાત માત્ર 10 પાસ, 11 પાસ અને 12 પાસ હોવાનું સામે આવ્યું છે. આટલી સામાન્ય શૈક્ષણિક લાયકાત હોવા છતાં આરોપીઓ છેલ્લા 8, 10 અને 26 વર્ષથી ગેરકાયદેસર રીતે એલોપેથી તબીબી પ્રેક્ટિસ કરતા હોવાનો પોલીસનો દાવો છે.

રાજીવનગર, આશાનગર અને ઝૂંપડપટ્ટીમાં ચાલતા હતા ક્લિનિક
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ પુણા-ઉમરવાડા વિસ્તારમાં આવેલા રાજીવનગર, આશાનગર અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગેરકાયદેસર ક્લિનિક ચલાવતા હતા અને લોકોની સારવાર કરતા હતા. દરોડા દરમિયાન પોલીસને મોટી માત્રામાં એલોપેથી દવાઓ અને મેડિકલ સામાન મળી આવ્યો હતો.

રૂ.4.90 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે ચારેય સ્થળેથી અંદાજે રૂ.4.90 લાખની કિંમતનો એલોપેથી દવાનો જથ્થો અને મેડિકલ સામાન જપ્ત કર્યો છે. કોઈ તબીબી લાયકાત કે જરૂરી મંજૂરી વગર આ રીતે પ્રેક્ટિસ કરવામાં આવતી હોવાની તપાસમાં વિગતો સામે આવી છે.
ચાર આરોપીઓ સામે ગુનો દાખલ
પકડાયેલા આરોપીઓમાં ભિંગુ પાલ, તેજબહાદુર મીર્જારામભાઈ નિશાદ, પ્રશાંતભાઈ પ્રોમથનભાઈ માલાકર અને સુબલ સુનિલ ગાચ્છીનો સમાવેશ થાય છે. આ મામલે પુણા પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 125 તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
બે આરોપીઓ સામે અગાઉ પણ ગુનો નોંધાયો હતો
પોલીસ તપાસમાં વધુ એક મહત્વની વિગતો સામે આવી છે. આરોપી તેજબહાદુર નિશાદ અને પ્રશાંત માલાકર સામે વર્ષ 2025માં પણ પુણા પોલીસ સ્ટેશનમાં સમાન પ્રકારનો ગુનો નોંધાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ સામે પોલીસે હાથ ધરેલી આ કાર્યવાહીને પગલે બોગસ ડોક્ટરોમાં ફફડાટ ફેલાયો છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



