Surat Pilgrims Accident in Uttarkashi: ઉત્તરકાશીમાં ગંગોત્રી હાઈવે પર ભયાનક અકસ્માત, સુરતના 4 શ્રદ્ધાળુના મોત, 2 મહિલાઓ લાપતા


Surat Pilgrims Accident in Uttarkashi
Surat Pilgrims Accident in Uttarkashi: ઉત્તરકાશીમાં ગંગોત્રી હાઈવે પર ભયાનક અકસ્માત, સુરતના 4 શ્રદ્ધાળુના મોત, 2 મહિલાઓ લાપતા


Surat Pilgrims Accident in Uttarkashi
Surat Pilgrims Accident in Uttarkashi: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી નેશનલ હાઈવે પર ગંગનાની વિસ્તારમાં સુરતના શ્રદ્ધાળુઓ સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. શ્રદ્ધાળુઓને લઈ જતી ઈનોવા કાર અંદાજે 300 મીટર ઊંડી ખીણમાં ખાબકીને ભાગીરથી નદીમાં પડી હતી. આ ભયાનક દુર્ઘટનામાં કારમાં સવાર ચાર લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 17 વર્ષનો એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. અકસ્માત બાદ બે મહિલાઓ હજુ પણ લાપતા હોવાથી તેમની શોધખોળ માટે બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
કારમાં ડ્રાઈવર સહિત કુલ સાત લોકો મુસાફરી કરી રહ્યા હતા
મળતી માહિતી અનુસાર, આ અકસ્માત સવારે આશરે 7થી 7:21 વાગ્યાની વચ્ચે ગંગનાની વિસ્તારમાં ધર્મકુંડ ધારા કુંડ નજીક સર્જાયો હતો. કારમાં ડ્રાઈવર સહિત કુલ સાત લોકો મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામનારાઓમાં સુરતના અશોકભાઈ પટેલ (49), રુતિકા પટેલ (19), ઘનશ્યામભાઈ સરવાલિયા (32) અને કારચાલક સુરેન્દ્ર સિંહનો સમાવેશ થાય છે. જ્યારે સુધાબેન પટેલ અને કિરણબેન પટેલ હજુ ગુમ છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા વેદાંત અશોકભાઈ પટેલ (17)ને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. વધુ સારવાર માટે તેને હેલિકોપ્ટર મારફતે અન્ય હોસ્પિટલમાં ખસેડવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી
ઘટનાની જાણ થતાં જ પોલીસ, SDRF, NDRF, 108 ઈમરજન્સી સેવા અને મેડિકલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. નદી અને ઊંડી ખીણમાં લાપતા મહિલાઓની શોધખોળ કરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. બચાવ કામગીરી ઝડપી બનાવવાની સાથે અકસ્માત કયા કારણોસર સર્જાયો તેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનાના સમાચારથી સુરતમાં શોકની લાગણી ફેલાઈ છે.





