Janjatiya Gaurav Diwas: ગુજરાતમાં 12થી 18 નવેમ્બર સુધી જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી, 32,000થી વધુ લાભાર્થીઓને મળશે રૂપિયા 1,500 કરોડના લાભ

Janjatiya Gaurav Diwas: ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતમાં 12થી 18 નવેમ્બર દરમિયાન એક સપ્તાહ સુધી રાજ્યવ્યાપી જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે.
Kunjan Shukla
Janjatiya Gaurav DiwasJanjatiya Gaurav Diwas

Janjatiya Gaurav Diwas

Janjatiya Gaurav Diwas: ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતમાં 12થી 18 નવેમ્બર દરમિયાન એક સપ્તાહ સુધી રાજ્યવ્યાપી જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના આયોજનને આખરી ઓપ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં આદિજાતિ વિકાસ મંત્રી સહિતના આગેવાનો અને વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2021થી 15 નવેમ્બરને સમગ્ર દેશમાં જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વલસાડમાં ઉજવણીમાં સહભાગી થશે

આ વર્ષે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતમાં વિવિધ સાંસ્કૃતિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 15 નવેમ્બરે છોટાઉદેપુર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વલસાડમાં ઉજવણીમાં સહભાગી થશે. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના 55 વિધાનસભા મતવિસ્તારો ઉપરાંત 20 બિનઆદિજાતિ જિલ્લાઓ અને 17 મહાનગરપાલિકાઓમાં પણ જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી થશે. 13 નવેમ્બરે યુવા સંવાદ સંમેલનો, 14 નવેમ્બરે સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રતિમાઓની સફાઈ, પૂજા અને સાંજે ગ્રામ પંચાયતોમાં દીપોત્સવ યોજાશે.

18 નવેમ્બરે મહિલા સંમેલનો યોજાશે

16 નવેમ્બરે પ્રબુદ્ધ નાગરિક સંમેલન, 17 નવેમ્બરે પરંપરાગત ગ્રામીણ રમતોત્સવ અને 18 નવેમ્બરે મહિલા સંમેલનો યોજાશે. રમતોત્સવમાં તિરંદાજી, ગિલ્લીદંડા, કબડ્ડી, ખો-ખો અને રસ્સાખેંચ જેવી રમતોનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત આદિજાતિ વિસ્તારોમાં સાપ્તાહિક હાટ ખાતે અટલ બુથ શરૂ કરી સ્થાનિક કારીગરો અને સ્વસહાય જૂથોને વેચાણની તક આપવામાં આવશે. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં 32,400થી વધુ આદિજાતિ લાભાર્થીઓને અંદાજે રૂપિયા 1,500 કરોડના વિવિધ સરકારી લાભો આપવામાં આવશે. તેમાં 17,000થી વધુ આદિજાતિ ખેડૂતોને વન અધિકાર અધિનિયમ-2006 હેઠળ લાભ, આવાસ સહાય, દુધાળા પશુઓનું વિતરણ અને સ્વરોજગાર સહાયનો સમાવેશ થાય છે. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સમાજના સાંસ્કૃતિક વારસા, પરંપરા અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના યોગદાનને જનજન સુધી પહોંચાડવાનો છે.

આ પણ વાંચો: Kutch: કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર કચ્છની દીકરી સભાઈબેન ગઢવીનું ભુજમાં સન્માન