સુરતના પાલોદમાં ₹1.16 કરોડના કેમિકલ ચોરીના રેકેટનો પર્દાફાશ, 3 ડ્રાઈવર ઝડપાયા

Palod Chemical Theft Racket: સુરત ગ્રામ્ય પોલીસના પાલોદ પોલીસ સ્ટેશનની ટીમે નેશનલ હાઇવે-48 પર ચાલતા મોટા કેમિકલ ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે.
Rupin Bakraniya
Rupin Bakraniya
Palod Chemical Theft RacketPalod Chemical Theft Racket

Palod Chemical Theft Racket

Palod Chemical Theft Racket: સુરત ગ્રામ્ય પોલીસના પાલોદ પોલીસ સ્ટેશનની ટીમે નેશનલ હાઇવે-48 પર ચાલતા મોટા કેમિકલ ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પાલોદ ગામની સીમમાં બંસી હોટલ પાછળ ખુલ્લી જગ્યામાં કેમિકલ ભરેલા ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલ કાઢવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન પોલીસે ત્રણ ડ્રાઈવરોને રંગેહાથ ઝડપી લીધા છે, જ્યારે સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર ફરાર હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

હાઇવે પર ટેન્કરમાંથી કેમિકલ ચોરી ઝડપાઈ

પોલીસને બાતમી મળી હતી કે મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઇવે-48 પર પાલોદ નજીક કેટલીક વ્યક્તિઓ કેમિકલ ભરેલા ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલ કાઢીને સગેવગે કરી રહી છે. બાતમીના આધારે પાલોદ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.જે. રાણા અને તેમની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન બે કેમિકલ ટેન્કર અને એક અતુલ ટેમ્પો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. ટેન્કરમાંથી પાઇપ મારફતે બેરલમાં કેમિકલ કાઢવાની પ્રક્રિયા ચાલી રહી હતી. પોલીસે સ્થળને ઘેરીને કાર્યવાહી કરી હતી અને કેમિકલ ચોરી કરી રહેલા ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા.

રિલાયન્સમાંથી ટોલ્યુઇન ભરી અંકલેશ્વર-દહેજ પહોંચાડવાનું હતું

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પકડાયેલા ટેન્કર ચાલકો સુરતના હજીરા સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાંથી 'ટોલ્યુઇન' નામનું જ્વલનશીલ કેમિકલ ભરીને અંકલેશ્વર અને દહેજ ખાતે પહોંચાડવાના હતા. પરંતુ આરોપીઓએ નક્કી કરેલા સ્થળે પહોંચવાને બદલે પાલોદ નજીક હાઇવે પર વાહનો વાળી દીધા હોવાનો પોલીસનો આક્ષેપ છે. ત્યારબાદ મુખ્ય સૂત્રધાર સાથે મળીને કેમિકલમાંથી જથ્થો કાઢી તેને ગેરકાયદેસર રીતે વેચી મારવાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે.

600 લિટર ટોલ્યુઇન સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત

પોલીસે સ્થળ પરથી ટેન્કરમાંથી ચોરી કરીને કાઢવામાં આવેલો આશરે 600 લિટર ટોલ્યુઇન કેમિકલ, બે ટેન્કર, અતુલ જેમ ટેમ્પો, પ્લાસ્ટિકની પાઇપ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલા સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂ.1,16,89,859 છે. ત્રણ ડ્રાઈવરોની ધરપકડ, મુખ્ય સૂત્રધાર વોન્ટેડ

આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે:

  • જયપ્રકાશ વાસુદેવ યાદવ

  • શ્રવણ ભંવરલાલ ખટીક

  • શિવશંકર સધયીરામ યાદવ

જ્યારે આ સમગ્ર કેમિકલ ચોરીના રેકેટનો મુખ્ય સૂત્રધાર સુરેશચંદ્ર રામલાલજી ખટીક પોલીસને હાથ લાગ્યો નથી. તેને વોન્ટેડ જાહેર કરીને ઝડપી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

કેટલા સમયથી ચાલતું હતું નેટવર્ક? પોલીસ તપાસમાં ખુલાસો થશે

પોલીસે ઝડપાયેલા ત્રણેય આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. આ કેમિકલ ચોરીનું નેટવર્ક કેટલા સમયથી ચાલી રહ્યું હતું, અગાઉ કેટલો કેમિકલ ચોરવામાં આવ્યો છે અને આ જથ્થો કોને વેચવામાં આવતો હતો તે સહિતના મુદ્દાઓ પર પોલીસ તપાસ કરી રહી છે. પોલીસની તપાસમાં કેમિકલ ચોરીના આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકોના નામ પણ સામે આવે તેવી શક્યતા છે.