Surat: દશેરા પહેલા જ મનપાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં! ફાફડા-જલેબીના સેમ્પલ લેવાની કામગીરી શરૂ


Surat
Surat: દશેરા પહેલા જ મનપાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં! ફાફડા-જલેબીના સેમ્પલ લેવાની કામગીરી શરૂ


Surat
Surat: દશેરાના તહેવાર પહેલા જ સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. દશેરાને હજુ ત્રણથી ચાર દિવસ બાકી છે, ત્યારે ફાફડા-જલેબીની ગુણવત્તા ચકાસવા માટે સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રવિવારની રજાના દિવસે પણ આરોગ્ય વિભાગની ટીમો મેદાનમાં ઉતરી હતી અને શહેરના તમામ નવ ઝોનમાં ફાફડા-જલેબીના વેચાણકર્તાઓને ત્યાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
આરોગ્ય વિભાગની ટીમોએ વિવિધ દુકાનોમાંથી ફાફડા અને જલેબીના નમૂના લીધા
મળતી માહિતી મુજબ, ગાંધીનગરના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA)ની સૂચના બાદ તહેવારને ધ્યાનમાં રાખીને વહેલી તપાસ શરૂ કરવામાં આવી છે. સુરત મનપાના આરોગ્ય વિભાગની ટીમોએ વિવિધ દુકાનોમાંથી ફાફડા અને જલેબીના નમૂના લીધા હતા. આ નમૂનાઓને સીલ કરીને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. કતારગામ ઝોનમાં આવેલી મટુકી સ્વીટ્સમાંથી પણ ફાફડા-જલેબીના સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તહેવાર દરમિયાન મીઠાઈ અને ફરસાણની માગમાં વધારો થતો હોવાથી ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા માટે આ તપાસ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
સેમ્પલના રિપોર્ટ ક્યારે આવશે?
જોકે, આરોગ્ય વિભાગની કામગીરી સામે એક મહત્ત્વનો સવાલ ઊભો થયો છે. દશેરાના તહેવાર પહેલાં ફાફડા-જલેબીનું વેચાણ શરૂ થઈ જાય અને લોકો આ ખાદ્ય પદાર્થો આરોગી લે, ત્યારબાદ સેમ્પલના રિપોર્ટ આવે તો તપાસનો હેતુ કેટલો સફળ થશે? જો નમૂનાઓના રિપોર્ટ મોડા આવે તો ગુણવત્તા અંગેની ખામી સામે સમયસર કાર્યવાહી કરવી મુશ્કેલ બની શકે છે. તેથી માત્ર સેમ્પલ લેવાની કામગીરી પૂરતી નથી, પરંતુ તેનું પૃથ્થકરણ ઝડપથી થાય અને ખામી જણાય તો તાત્કાલિક પગલાં લેવાય તે પણ એટલું જ જરૂરી છે.
તહેવાર પહેલા પરિણામલક્ષી કાર્યવાહી જરૂરી
દશેરાના દિવસે સુરતમાં ફાફડા-જલેબીનું મોટા પ્રમાણમાં વેચાણ થતું હોય છે. આવી સ્થિતિમાં નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે મનપાના આરોગ્ય વિભાગે તપાસની સાથે રિપોર્ટ સમયસર જાહેર થાય અને નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી થાય તેની પણ ખાતરી કરવી જરૂરી છે.





