Get News Alerts

Never miss breaking news updates.

Saffron Farming in Amreli: અમરેલીમાં બિલ્ડિંગના બીજા માળે કેસરની ખેતી! 20 લાખના ખર્ચે તૈયાર કર્યું આધુનિક સેટઅપ

Saffron Farming in Amreli: અમરેલીના બીપીનભાઈ પટેલે બિલ્ડિંગના બીજા માળે માત્ર 10 બાય 20 ફૂટની જગ્યામાં કેસરની ખેતી માટે અંદાજે 20 લાખ રૂપિયાના ખર્ચે આધુનિક સેટઅપ તૈયાર કર્યું છે.
Kunjan ShuklaUpdated on: 18 Oct 2026 04:57 PM IST
Saffron Farming in Amreli: અમરેલીમાં બિલ્ડિંગના બીજા માળે કેસરની ખેતી! 20 લાખના ખર્ચે તૈયાર કર્યું આધુનિક સેટઅપSaffron Farming in Amreli: અમરેલીમાં બિલ્ડિંગના બીજા માળે કેસરની ખેતી! 20 લાખના ખર્ચે તૈયાર કર્યું આધુનિક સેટઅપ

Saffron Farming in Amreli

Saffron Farming in Amreli: સામાન્ય રીતે કેસરની ખેતીનું નામ આવે એટલે કાશ્મીરની ઠંડી ખીણો યાદ આવે. પરંતુ હવે આધુનિક ટેક્નોલોજીના સહારે ગુજરાતના અમરેલીમાં પણ કેસરની ખેતીનો અનોખો પ્રયોગ શરૂ થયો છે. અમરેલીના બીપીનભાઈ પટેલે બિલ્ડિંગના બીજા માળે માત્ર 10 બાય 20 ફૂટની જગ્યામાં કેસરની ખેતી માટે અંદાજે 20 લાખ રૂપિયાના ખર્ચે આધુનિક સેટઅપ તૈયાર કર્યું છે. વર્ષોથી ખેતી સાથે જોડાયેલા બીપીનભાઈએ જમ્મુ-કાશ્મીરમાંથી તાલીમ અને ભાવનગરના પ્રગતિશીલ ખેડૂત પાસેથી માર્ગદર્શન મેળવી આ નવી પહેલ કરી છે.

આધુનિક ટેક્નોલોજીથી સજ્જ સેટઅપ તૈયાર કર્યું

અમરેલી શહેરમાં ખેતીક્ષેત્રે એક અનોખો પ્રયોગ જોવા મળી રહ્યો છે. અહીં ખેતરમાં નહીં, પરંતુ બિલ્ડિંગના બીજા માળે નિયંત્રિત વાતાવરણમાં કેસર ઉગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બીપીનભાઈ પટેલે મર્યાદિત જગ્યામાં કેસરની ખેતી શક્ય બને તે માટે આધુનિક ટેક્નોલોજીથી સજ્જ સેટઅપ તૈયાર કર્યું છે. આ સેટઅપમાં કાશ્મીરમાં ઉગાડવામાં આવતી કેસરની જાતનું વાવેતર કરવામાં આવ્યું છે. કેસરની ખેતીમાં તાપમાનનું વિશેષ મહત્ત્વ હોવાથી પાકની જરૂરિયાત મુજબ આશરે 10થી 12 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જાળવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, સેટઅપની જાળવણી અને તાપમાન નિયંત્રણ પાછળ પણ ખર્ચ કરવો પડે છે.

આગામી ત્રણ મહિનામાં પ્રથમ પાક મળવાની આશા

બીપીનભાઈના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ મહિનામાં પ્રથમ પાક મળવાની આશા છે. તેમનું આયોજન વર્ષમાં બે સિઝનમાં ઉત્પાદન મેળવવાનું છે. એક સિઝનમાં આશરે એક કિલોગ્રામ કેસરના ઉત્પાદનનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. કેસરના એક કિલોગ્રામના બજારભાવ ગુણવત્તા અને બજારની સ્થિતિ પ્રમાણે આશરે 9 લાખથી 12 લાખ રૂપિયા સુધી મળી શકે તેવી આશા છે. જોકે, વાસ્તવિક ઉત્પાદન અને આવક પાકની સફળતા પર નિર્ભર રહેશે. એક તરફ ખેતીમાં વધતા ખર્ચ અને પડકારો છે, ત્યારે બીજી તરફ આધુનિક ટેક્નોલોજીથી ખેતીમાં નવી શક્યતાઓ ઊભી થઈ રહી છે. અમરેલીના બીપીનભાઈ પટેલનો આ પ્રયોગ સફળ થાય તો મર્યાદિત જગ્યામાં ઊંચી કિંમતના પાકનું ઉત્પાદન કરવા ઈચ્છતા ખેડૂતો માટે નવી દિશા ખૂલી શકે છે. હવે જોવાનું એ રહેશે કે બિલ્ડિંગના બીજા માળે શરૂ થયેલો કેસરની ખેતીનો આ પ્રયોગ કેટલો સફળ સાબિત થાય છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો: Vadodara News: વડોદરા-ભરૂચ નેશનલ હાઈવે પર ચીકણા કેમિકલથી હાહાકાર, 25થી વધુ બાઈકચાલક અકસ્માતનો ભોગ બન્યા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.