Surat News: નાના વરાછામાં ધોળા દિવસે આતંક, કારચાલક પર હુમલો કરી કાચ તોડ્યા


Surat News
Surat News: નાના વરાછામાં ધોળા દિવસે આતંક, કારચાલક પર હુમલો કરી કાચ તોડ્યા


Surat News
Surat News: શહેરમાં અસામાજિક તત્ત્વોની જાહેરમાં ગુંડાગીરીની ઘટના સામે આવી છે. નાના વરાછા ઢાળ પાસે ધોળા દિવસે રસ્તા વચ્ચે એક કારચાલક પર હુમલો કરવામાં આવ્યો હતો. માથાભારે યુવકે ચાલતી કારના બોનેટ અને દરવાજા પર ચઢી જઈ ચાલક સાથે ઝપાઝપી કરી હતી. ત્યારબાદ રોષે ભરાયેલા શખ્સોએ રસ્તાના ડિવાઈડરમાંથી મોટા પથ્થરો ઉપાડીને કાર પર છૂટા મારતા વાહનને નુકસાન પહોંચ્યું હતું.
બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો
મળતી માહિતી મુજબ, નાના વરાછા ઢાળ પાસે ભરચક રસ્તા પર આ ઘટના બની હતી. કારચાલક સાથે થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હોવાની વિગતો સામે આવી છે. એક યુવકે કારના બોનેટ અને દરવાજા પર ચઢીને ચાલક સાથે ઝપાઝપી કરી હતી. જાહેર રસ્તા પર બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ ઊભો કર્યો
આ દરમિયાન રોષે ભરાયેલા શખ્સોએ રસ્તાની વચ્ચે આવેલા ડિવાઈડરમાંથી મોટા પથ્થરો ઉપાડ્યા હતા. આ પથ્થરો કાર પર ફેંકવામાં આવતા કારના કાચ અને સાઈડ મિરરને ભારે નુકસાન થયું હતું. દિવસ દરમિયાન વાહનવ્યવહારથી ધમધમતા રસ્તા પર બનેલી આ ઘટનાએ વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો. જાહેર રસ્તા પર આ પ્રકારની હિંસક વર્તણૂકથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે રસ્તા વચ્ચે આવી રીતે હુમલા અને વાહનોમાં તોડફોડની ઘટનાઓથી સામાન્ય નાગરિકોની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થાય છે.
સ્થાનિકોએ જાહેરમાં ગુંડાગીરી કરનારા તત્ત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માગ કરી છે. સાથે જ, શહેરના વ્યસ્ત વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા અસરકારક પગલાં લેવામાં આવે તેવી માગ ઉઠી છે. હવે આ ઘટનામાં સંડોવાયેલા શખ્સો સામે પોલીસ શું કાર્યવાહી કરે છે અને જાહેર રસ્તા પર બનેલી આ ઘટનાની તપાસમાં શું વિગતો સામે આવે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો: Bhavnagar News: મહુવામાં કારમાંથી વિદેશી દારૂની 640 બોટલ ઝડપાઈ, એક વ્યક્તિની કરાઈ ધરપકડ





