Ahmedabad News: દિવાળી પહેલાં રાશનનો જથ્થો મળશે, 820 દુકાનોમાં 31 ઓક્ટોબર સુધી પુરવઠો પહોંચશે

Ahmedabad News: દિવાળીના તહેવાર પહેલાં રેશનકાર્ડ ધારકોને નવેમ્બર મહિનાનો રેશનિંગ જથ્થો મળી રહે તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે કામગીરી તેજ કરી છે.
Kunjan ShuklaUpdated on: 27 Oct 2026 05:38 PM IST
Ahmedabad News: દિવાળી પહેલાં રાશનનો જથ્થો મળશે, 820 દુકાનોમાં 31 ઓક્ટોબર સુધી પુરવઠો પહોંચશેAhmedabad News: દિવાળી પહેલાં રાશનનો જથ્થો મળશે, 820 દુકાનોમાં 31 ઓક્ટોબર સુધી પુરવઠો પહોંચશે

Ahmedabad News

Ahmedabad News: દિવાળીના તહેવાર પહેલાં રેશનકાર્ડ ધારકોને નવેમ્બર મહિનાનો રેશનિંગ જથ્થો મળી રહે તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે કામગીરી તેજ કરી છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં આવેલી અંદાજે 820 વ્યાજબી ભાવની રેશનિંગ દુકાનોમાં 31 ઓક્ટોબર સુધીમાં અનાજ સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ 1 નવેમ્બરથી લાભાર્થીઓને વિતરણ શરૂ કરવાની તૈયારી છે.

નવેમ્બર મહિનાનો જથ્થો અગાઉથી મોકલવાની કામગીરી શરૂ

રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા (NFSA) હેઠળ આવતા શ્રમજીવી, ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને તહેવાર પહેલાં રેશનનો જથ્થો મળી રહે તે હેતુથી આ વ્યવસ્થા કરવામાં આવી છે. દિવાળીના દિવસોમાં લાભાર્થીઓને અનાજ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિભાગ દ્વારા આગોતરું આયોજન કરાયું છે.

શાહીબાગ સ્થિત શહેર વિભાગના ગોડાઉનમાંથી અમદાવાદ શહેર અને જિલ્લાના રેશનિંગ દુકાનદારોને ઘઉં, ચોખા, તુવેરદાળ, ચણા, ખાંડ અને મીઠું સહિતની ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે. આ કામગીરી માટે શહેર અને જિલ્લા નાગરિક પુરવઠા વિભાગ વચ્ચે સંકલન સાધવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, 22 ઓક્ટોબરથી જ નવેમ્બર મહિનાનો જથ્થો અગાઉથી મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં અંદાજે 400 રેશનિંગ દુકાનોમાં જથ્થો પહોંચાડવામાં આવ્યો છે. બાકીની દુકાનોમાં પણ 31 ઓક્ટોબર સુધીમાં પુરવઠો પહોંચાડી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

રેશનિંગ જથ્થો નિયમ મુજબ 30 નવેમ્બર સુધી મેળવી શકાશે

જથ્થાની સમયસર હેરફેર સુનિશ્ચિત કરવા માટે શનિ-રવિવારની રજાઓ દરમિયાન પણ ગોડાઉન ચાલુ રાખીને કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નાયબ નિયંત્રક સરયૂબા ઝનકાર અને સિટી મેનેજર હીરલ બ્રહ્મભટ્ટના સંકલનથી પુરવઠા વિતરણની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. નવેમ્બર મહિનાનો રેશનિંગ જથ્થો નિયમ મુજબ 30 નવેમ્બર સુધી મેળવી શકાશે. જોકે, દિવાળી પહેલાં જ જથ્થો ઉપલબ્ધ કરાવવાની આ વ્યવસ્થાથી લાભાર્થી પરિવારોને તહેવાર દરમિયાન રાહત મળશે.

આ પણ વાંચો: Gujarat Governmentનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય, સહકારી બેન્કો મારફતે ખેડૂતોને 2 ટકા વ્યાજ રાહત માટે રૂપિયા 174.07 કરોડ મંજૂર

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.