Get News Alerts

Never miss breaking news updates.

Surat : લિંબાયતમાં કચરાના ડેપોમાં ભીષણ આગ, દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા

Surat : શહેરના લિંબાયત વિસ્તારમાં કચરાના ડેપોમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. લિંબાયત ઝોનમાં મીઠીખાડી પાસે આવેલા કચરા ડેપોમાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
Kunjan ShuklaUpdated on: 27 Sep 2026 08:42 PM IST
Surat : લિંબાયતમાં કચરાના ડેપોમાં ભીષણ આગ, દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યાSurat : લિંબાયતમાં કચરાના ડેપોમાં ભીષણ આગ, દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા

Surat

Surat : શહેરના લિંબાયત વિસ્તારમાં કચરાના ડેપોમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. લિંબાયત ઝોનમાં મીઠીખાડી પાસે આવેલા કચરા ડેપોમાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ડેપોમાં મોટી માત્રામાં પ્લાસ્ટિક વેસ્ટનો જથ્થો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

પ્લાસ્ટિકના જથ્થામાં અચાનક આગ લાગી

મળતી માહિતી મુજબ, મીઠીખાડી પાસે આવેલા કચરા ડેપોમાં ફેંકવામાં આવેલા હોટફિક્સ વેસ્ટ અને પ્લાસ્ટિકના જથ્થામાં અચાનક આગ લાગી હતી. પ્લાસ્ટિકના કચરાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી શરૂ કરી હતી. ફાયર ફાઈટર્સ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. પ્લાસ્ટિક વેસ્ટ સળગવાને કારણે વિસ્તારમાં ધુમાડો ફેલાયો હતો. ઝેરી ધુમાડાના કારણે આસપાસ રહેતા સ્થાનિકોમાં ગૂંગળામણ અને ભયનો માહોલ સર્જાયો હતો. આગના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

તંત્ર સામે સવાલો ઉભા કર્યા

સુરત શહેરમાં પ્રતિબંધ હોવા છતાં ટેક્સટાઈલ અને હોટફિક્સ વેસ્ટ પ્લાસ્ટિકનો જાહેરમાં નિકાલ થતો હોવાના મુદ્દે ફરી સવાલો ઉઠ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલામાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે. આવા કચરામાં રહેલા પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ સામગ્રીના કારણે આગ ઝડપથી ફેલાવાની સાથે હવામાં ધુમાડો અને પ્રદૂષણ ફેલાય છે. લિંબાયતની આ ઘટનાએ ફરી એકવાર કચરાના યોગ્ય નિકાલ અને પ્લાસ્ટિક વેસ્ટના વ્યવસ્થાપન અંગે તંત્ર સામે સવાલો ઉભા કર્યા છે. સ્થાનિકો દ્વારા આવા કચરાના ગેરકાયદે નિકાલ સામે કડક કાર્યવાહી અને નિયમિત દેખરેખની માંગ કરવામાં આવી રહી છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Bhuj : માધાપર હાઈવે પર ડીઝલ ભરેલા ટેન્કરમાં લાગી આગ, ફાયરની ટીમે તાત્કાલિક પહોંચીને મેળવ્યો કાબૂ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.