Surat : કામરેજ સુગરમિલ ચૂંટણીમાં મતગણતરી શરૂ, સહકાર અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે જંગ


Kamrej Sugar Mill
Surat : કામરેજ સુગરમિલ ચૂંટણીમાં મતગણતરી શરૂ, સહકાર અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે જંગ


Kamrej Sugar Mill
Surat : કામરેજ સુગરમિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે કુલ 14 ઝોનમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કુલ 18 ઉમેદવારોમાંથી ચાર ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે બાકીના 14 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું હતું.
ગતરોજ યોજાયેલા મતદાન દરમિયાન મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જંગી મતદાન બાદ આજે મતગણતરી શરૂ થતાં ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે. મતગણતરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઉમમંગલ હોલ ખાતે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
સહકાર કે કિસાન પરિવર્તન?
આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે જોવા મળી રહ્યો છે. બંને પેનલ દ્વારા ચૂંટણી દરમિયાન પોતાના ઉમેદવારો માટે જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો. હવે મતગણતરી શરૂ થતાં બંને પેનલના ઉમેદવારોના ભાવિનો નિર્ણય થવાનો છે. મતગણતરી સ્થળ એવા ઉમમંગલ હોલની બહાર બંને પેનલના શુભેચ્છકો અને સમર્થકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. પોતાના પેનલના ઉમેદવારોના પરિણામ જાણવા માટે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા છે. મતગણતરીના દરેક રાઉન્ડ સાથે ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ બનશે.
સુગરમિલ ચૂંટણીના પરિણામની આતુરતા
કામરેજ સુગરમિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી સહકારી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સુગરમિલ સાથે જોડાયેલા મતદારો દ્વારા આપવામાં આવેલા મત હવે કયા પેનલના ઉમેદવારોના પક્ષમાં જાય છે તેના પર સૌની નજર છે. હાલ મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને પરિણામને લઈને ઉમેદવારોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચેની ટક્કરમાં આખરે બાજી કોણ મારે છે તે મતગણતરી પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે. જંગી મતદાન બાદ હવે મતપેટીમાંથી કોના પક્ષમાં જનાદેશ બહાર આવે છે અને કામરેજ સુગરમિલની વ્યવસ્થાપક સમિતિ પર કઈ પેનલનું પ્રભુત્વ સ્થાપિત થાય છે, તેના પર સમગ્ર સહકારી ક્ષેત્રની નજર છે.
આ પણ વાંચો : Dhandhuka Police ની મોટી કાર્યવાહી, જમીનમાં દાટેલો 630 બોટલ દારૂનો જથ્થો ઝડપ્યો




