Surat Food Department: નવરાત્રિ દરમિયાન ફૂડ સેફ્ટી વિભાગની મોટી કાર્યવાહી, 116 ફૂડ સ્ટોલનું ચેકિંગ


Surat Food Department
Surat Food Department: નવરાત્રિ દરમિયાન ફૂડ સેફ્ટી વિભાગની મોટી કાર્યવાહી, 116 ફૂડ સ્ટોલનું ચેકિંગ


Surat Food Department
Surat: નવરાત્રિ પર્વ દરમિયાન ગરબા રમવા આવતા ખેલૈયાઓ અને નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં વિવિધ સ્થળોએ યોજાયેલા ગરબા મહોત્સવો અને ફૂડ સ્ટોલ પર તપાસ કરીને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તથા સ્વચ્છતાના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે પાલિકાની ફૂડ શાખા એક્શન મોડમાં આવી છે.
મળતી માહિતી મુજબ, સુરત મહાનગરપાલિકાની ટીમોએ પીપલોદ સહિતના વિવિધ વિસ્તારોમાં યોજાયેલા છ મોટા ગરબા આયોજનોમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ગરબા ગ્રાઉન્ડમાં આવેલા ખાણી-પીણીના આશરે 116 ફૂડ સ્ટોલનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. સ્ટોલ પર ખાદ્ય પદાર્થો તૈયાર કરવાની પદ્ધતિ, સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી.
113 ખાદ્ય પદાર્થોના સેમ્પલ એકત્ર કરાયા
તપાસ દરમિયાન વિવિધ ફૂડ સ્ટોલ પરથી આશરે 113 ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલને ગુણવત્તાની ચકાસણી માટે સુરતની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીના અહેવાલ બાદ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે વધુ સ્પષ્ટતા થશે. જો કોઈ ખાદ્ય પદાર્થમાં નિયમોનું ઉલ્લંઘન સામે આવશે તો સંબંધિત જવાબદારો સામે નિયમ મુજબ કાર્યવાહી થઈ શકે છે.
43 સ્ટોલધારકોને નોટિસ ફટકારાઈ
ફૂડ સેફ્ટીના નિયમોનું યોગ્ય પાલન ન કરવા બદલ તપાસ દરમિયાન 43 સ્ટોલધારકોને નોટિસ આપવામાં આવી હતી. ખાસ કરીને ખાદ્ય પદાર્થો તૈયાર કરતી વખતે એપ્રોન, ટોપી અથવા કેપ ન પહેરવા જેવી બેદરકારી બદલ નોટિસ ફટકારવામાં આવી હતી. ઉપરાંત, ફૂડ ફેસ્ટિવલમાંથી પણ 20 ખાદ્ય પદાર્થોના સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા. નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં લોકો બહારથી ખાણી-પીણીની વસ્તુઓ ખરીદતા હોવાથી ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવી જરૂરી છે. સુરત મહાનગરપાલિકાની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ નાગરિકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખોરાક મળે તે સુનિશ્ચિત કરવાનો છે. આગામી સમયમાં પણ ખાદ્ય પદાર્થોના વેચાણ સ્થળોએ સ્વચ્છતા અને નિયમોના પાલન અંગે તપાસ ચાલુ રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો : Rajkot Robbery Murder Case : રાજકોટ લૂંટ વિથ મર્ડર કેસમાં મોટો ખુલાસો, પોલીસે આરોપીઓને ઉદયપુરથી દબોચ્યા





