Get News Alerts

Never miss breaking news updates.

Jamnagar: ટ્રેન ચાલકની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી! લાલપુર-કાનાલુસ વચ્ચે રેલવે ટ્રેક પર પાટાનો ટુકડો મળ્યો

Jamnagar: જામનગર જિલ્લામાં લાલપુર અને કાનાલુસ વચ્ચે રેલવે ટ્રેક પર પાટાનો એક ટુકડો મળી આવતાં રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
Kunjan ShuklaUpdated on: 15 Oct 2026 01:56 PM IST
Jamnagar: ટ્રેન ચાલકની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી! લાલપુર-કાનાલુસ વચ્ચે રેલવે ટ્રેક પર પાટાનો ટુકડો મળ્યોJamnagar: ટ્રેન ચાલકની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી! લાલપુર-કાનાલુસ વચ્ચે રેલવે ટ્રેક પર પાટાનો ટુકડો મળ્યો

Jamnagar

Jamnagar: જામનગર જિલ્લામાં લાલપુર અને કાનાલુસ વચ્ચે રેલવે ટ્રેક પર પાટાનો એક ટુકડો મળી આવતાં રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ટ્રેક પર ટુકડો નજરે પડતાં પોરબંદર-કાનાલુસ લોકલ ટ્રેન નંબર 59205ને રોકવાની ફરજ પડી હતી. જોકે, ટ્રેનના ચાલકે સમયસર ટુકડો જોઈ લેતાં સંભવિત જોખમ ટળ્યું હતું. આ ઘટનામાં કોઈ જાનમાલનું નુકસાન થયું ન હોવાનું જાણવા મળ્યું છે.

ટ્રેન અચાનક રોકી દેવામાં આવી

મળતી માહિતી મુજબ, લાલપુરથી કાનાલુસ વચ્ચેના રેલવે ટ્રેક પર અંદાજે દોઢથી બે ફૂટ લાંબો પાટાનો ટુકડો પડેલો હતો. આ દરમિયાન પોરબંદર-કાનાલુસ લોકલ ટ્રેન ત્યાંથી પસાર થઈ રહી હતી. ટ્રેનના ચાલકની નજર ટ્રેક પર પડેલા ટુકડા પર પડતાં તેમણે સાવચેતીના ભાગરૂપે ટ્રેન રોકી દીધી હતી. ત્યારબાદ ચાલકે ટ્રેક પર પડેલો ટુકડો હટાવ્યો હતો અને જરૂરી સાવચેતી રાખ્યા બાદ ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી. આ ઘટનાને કારણે ટ્રેનની અવરજવર પર થોડી અસર પડી હતી. જોકે, રેલવે ટ્રેક કે ટ્રેનને કોઈ નુકસાન થયું હોવાની માહિતી સામે આવી નથી.

રેલવે પોલીસ દ્વારા તપાસ શરૂ

ઘટનાની જાણ થતાં ખંભાળિયા આઉટપોસ્ટના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) ભીમશીભાઈ રામભાઈ તપાસ માટે રવાના થયા હતા. રેલવે ટ્રેક પર પાટાનો ટુકડો કેવી રીતે પહોંચ્યો અને તે અકસ્માતે પડ્યો હતો કે અન્ય કોઈ કારણસર ત્યાં આવ્યો હતો, તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. રેલવે ટ્રેક પર આવી વસ્તુઓ મળી આવવી ગંભીર બાબત ગણાય છે, કારણ કે તેના કારણે ટ્રેનની અવરજવરને જોખમ ઊભું થઈ શકે છે. જોકે, હાલ આ ઘટનામાં કોઈ ઈરાદાપૂર્વકની કાર્યવાહી થઈ હોવાની પુષ્ટિ થઈ નથી. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે. હાલ તપાસનો મુખ્ય હેતુ પાટાનો ટુકડો ટ્રેક પર કેવી રીતે આવ્યો તે શોધવાનો અને ઘટનાની તમામ કડીઓ તપાસવાનો છે. ઘટના અંગે વધુ વિગતો તપાસ બાદ સામે આવવાની શક્યતા છે.

આ પણ વાંચો: Surat Food Department: નવરાત્રિ દરમિયાન ફૂડ સેફ્ટી વિભાગની મોટી કાર્યવાહી, 116 ફૂડ સ્ટોલનું ચેકિંગ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.