Surat News: સુરત ફાયર વિભાગ એક્શન મોડમાં, દિવાળીના 3 દિવસ ફાયર જવાનોની રજાઓ રદ, 24 કલાક સ્ટેન્ડબાય રહેશે ટીમ

Surat News: દિવાળીના તહેવાર દરમિયાન આગ લાગવાની ઘટનાઓ અને અન્ય આપત્તિઓને પહોંચી વળવા સુરત ફાયર વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે.
Kunjan ShuklaUpdated on: 27 Oct 2026 03:20 PM IST
Surat News: સુરત ફાયર વિભાગ એક્શન મોડમાં, દિવાળીના 3 દિવસ ફાયર જવાનોની રજાઓ રદ, 24 કલાક સ્ટેન્ડબાય રહેશે ટીમSurat News: સુરત ફાયર વિભાગ એક્શન મોડમાં, દિવાળીના 3 દિવસ ફાયર જવાનોની રજાઓ રદ, 24 કલાક સ્ટેન્ડબાય રહેશે ટીમ

Surat News

Surat News: દિવાળીના તહેવાર દરમિયાન આગ લાગવાની ઘટનાઓ અને અન્ય આપત્તિઓને પહોંચી વળવા સુરત ફાયર વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે. તહેવાર દરમિયાન નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા ફાયર વિભાગ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. દિવાળીના ત્રણ દિવસ દરમિયાન ફાયર જવાનોની રજાઓ રદ કરવામાં આવી છે અને તમામ ટીમોને 24 કલાક સ્ટેન્ડબાય રહેવા સૂચના આપવામાં આવી છે.

100 જેટલી ફાયર ગાડીઓ એલર્ટ પર

ફાયર વિભાગના આયોજન મુજબ, શહેરમાં 1,000થી વધુ ફાયર જવાનો અને 100 જેટલી ફાયર ગાડીઓને એલર્ટ પર રાખવામાં આવશે. શહેરના તમામ 9 ઝોનમાં ફાયર ટીમો તૈનાત કરવામાં આવશે, જેથી આગ લાગવાની કે કોઈ અન્ય કટોકટીની ઘટના બને તો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી શકાય. દિવાળીના દિવસોમાં ફટાકડા ફોડવા દરમિયાન આગ લાગવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા વિશેષ સાવચેતી રાખવામાં આવી રહી છે.

શહેરીજનોને સુરક્ષિત રીતે દિવાળીની ઉજવણી કરવા અપીલ

આકસ્મિક આગની ઘટનાઓ સામે ઝડપી કાર્યવાહી કરવા માટે વોટર બાઉઝર, ફાયર એન્જિન, હાઈડ્રોલિક લેડર અને રોબોટ કેમેરા સહિતના આધુનિક સાધનો તૈયાર રાખવામાં આવશે. આ વ્યવસ્થાથી રહેણાક વિસ્તારો, ઊંચી ઈમારતો અને અન્ય સંવેદનશીલ સ્થળોએ ઊભી થતી પરિસ્થિતિનો ઝડપથી સામનો કરવામાં મદદ મળશે. બીજી તરફ, ફાયર વિભાગે નાગરિકોને પણ સાવચેતી રાખવા અપીલ કરી છે. રોકેટ અને અન્ય ફટાકડા સાવધાનીપૂર્વક ખુલ્લી જગ્યામાં ફોડવા, ઘરની ગેલેરીમાં જ્વલનશીલ કચરો કે સામાન રાખવાનું ટાળવા અને બાળકો ફટાકડા ફોડે ત્યારે વાલીઓએ તેમની સાથે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, આગ જેવી કોઈ અનિચ્છનીય ઘટના બને તો તાત્કાલિક પ્રાથમિક બચાવ માટે પાણીની ડોલ તૈયાર રાખવા પણ અપીલ કરવામાં આવી છે. સુરત ફાયર વિભાગે નાગરિકોને જરૂરી સાવચેતી રાખીને સુરક્ષિત રીતે દિવાળીની ઉજવણી કરવા અપીલ કરી છે.

આ પણ વાંચો: Mehsana News: મનપા સમક્ષ સ્વાગત બંગ્લોઝના રહીશોના ધરણા, રસ્તો ખુલ્લો કરવાની માગ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.