Mehsana News: મનપા સમક્ષ સ્વાગત બંગ્લોઝના રહીશોના ધરણા, રસ્તો ખુલ્લો કરવાની માગ

Mehsana News: શહેરમાં રસ્તાની સમસ્યાને લઈને સ્વાગત બંગલોઝના રહીશોએ મહાનગરપાલિકા સમક્ષ ધરણાં કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
Kunjan ShuklaUpdated on: 27 Oct 2026 02:56 PM IST
Mehsana News: મનપા સમક્ષ સ્વાગત બંગ્લોઝના રહીશોના ધરણા, રસ્તો ખુલ્લો કરવાની માગMehsana News: મનપા સમક્ષ સ્વાગત બંગ્લોઝના રહીશોના ધરણા, રસ્તો ખુલ્લો કરવાની માગ

Mehsana News

Mehsana News: શહેરમાં રસ્તાની સમસ્યાને લઈને સ્વાગત બંગલોઝના રહીશોએ મહાનગરપાલિકા સમક્ષ ધરણાં કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સોસાયટીના રહીશોએ રસ્તા પર ગેરકાયદેસર કોમ્પ્લેક્સ અને ગેસ્ટ હાઉસ બનાવી દેવામાં આવ્યાં હોવાનો આક્ષેપ કર્યો છે. વર્ષોથી રસ્તાની સમસ્યાનો સામનો કરી રહેલા સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરીને કાયમી રસ્તો ખુલ્લો કરી આપવા ઉગ્ર માગ કરી છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સ્વાગત બંગલોઝ સોસાયટી વર્ષ 2000માં બનાવવામાં આવી હતી. જોકે, સોસાયટીના રહીશોને અવરજવર માટેના રસ્તા અંગે લાંબા સમયથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા હોવાના આક્ષેપ વચ્ચે રહીશોને અન્ય રસ્તા પરથી અવરજવર કરવાની ફરજ પડી રહી છે. આ ઉપરાંત, સોસાયટીની આસપાસ ગેરેજ અને અન્ય દબાણો હોવાના કારણે મહિલાઓ અને બાળકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

કાર્યવાહી કરવામાં ન આવતાં સ્થાનિકોમાં નારાજગી વધી

રોજિંદા જીવનમાં રસ્તાની સમસ્યાને કારણે સ્થાનિકોને મુશ્કેલી પડતી હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો ન હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો છે. રહીશોએ જણાવ્યું કે, રસ્તાની સમસ્યાના ઉકેલ માટે સંબંધિત તંત્ર સમક્ષ વર્ષોથી રજૂઆતો કરવામાં આવી રહી છે. તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતાં સ્થાનિકોમાં નારાજગી વધી છે. આથી રહીશોએ મહાનગરપાલિકા સમક્ષ ધરણાં કરીને જવાબદાર તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો.

કાયમી રસ્તો ખુલ્લો કરી આપવાની માગ

વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિકોએ રસ્તા પરના કથિત ગેરકાયદેસર બાંધકામો અને દબાણો દૂર કરીને સોસાયટી માટે કાયમી રસ્તો ખુલ્લો કરી આપવાની માગ કરી હતી. સાથે જ, સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી સ્થળ પર જ બેસી રહેવાની મહિલાઓ અને રહીશોએ ચીમકી ઉચ્ચારી છે. હવે મહાનગરપાલિકા દ્વારા સ્થાનિકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને શું કાર્યવાહી કરવામાં આવે છે અને વર્ષોથી ચાલી આવતી રસ્તાની સમસ્યાનો ઉકેલ ક્યારે આવે છે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો: Ahmedabad News: ઓઢવની નટરાજ સ્કૂલને જિલ્લા શિક્ષણાધિકારીએ ફટકારી નોટિસ, નિયમ મુજબ કાર્યવાહી કરવાની આપી ચીમકી

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.