Surat Fake Doctors: બોગસ ડોક્ટરો સામે કડક કાર્યવાહી, દવા સપ્લાય કરતા કેમેસ્ટ વેપારીઓ પર પણ તવાઈ


Surat Fake Doctors
Surat Fake Doctors: બોગસ ડોક્ટરો સામે કડક કાર્યવાહી, દવા સપ્લાય કરતા કેમેસ્ટ વેપારીઓ પર પણ તવાઈ


Surat Fake Doctors
Surat Fake Doctors: સુરત શહેરમાં બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી વધુ કડક બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે બોગસ ડોક્ટરોને દવાઓ સપ્લાય કરતા કેમેસ્ટ અને મેડિકલ વેપારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દવાઓના ગેરકાયદે સપ્લાય પર નિયંત્રણ લાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.
બોગસ ડોક્ટરો સુધી દવાઓ પહોંચાડતા વેપારીઓ સામે કડક વલણ અપનાવાશે
મળતી માહિતી મુજબ, સુરતમાં બોગસ ડોક્ટરો પોલીસના હાથે ઝડપાયા બાદ ફરીથી પોતાની ગેરકાયદે હાટડીઓ શરૂ કરી દેતા હોવાની બાબત સામે આવી છે. આવા ડોક્ટરોને ત્યાં પોલીસ તપાસ દરમિયાન જુદી-જુદી કંપનીઓની દવાઓનો મોટો જથ્થો પણ મળી આવે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે બોગસ ડોક્ટરો સુધી દવાઓ પહોંચાડતા વેપારીઓ સામે પણ કડક વલણ અપનાવવામાં આવશે.
ડોક્ટરનું ડિગ્રી સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સુરતના કેમેસ્ટ એન્ડ રજિસ્ટ એસોસિએશનને પત્ર લખીને જરૂરી સૂચનાઓ આપી છે. આ સૂચના મુજબ, મેડિકલ વેપારીઓએ દવાઓ સપ્લાય કરતાં પહેલાં સંબંધિત ડોક્ટરનું ડિગ્રી સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત રહેશે. ડોક્ટર દ્વારા ડિગ્રી સર્ટિફિકેટ જમા કરાવવામાં આવ્યા બાદ જ દવાઓ સપ્લાય કરવાની રહેશે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ બોગસ ડોક્ટરોને દવાઓ મળતી અટકાવવાનો છે.
કેમેસ્ટ અને મેડિકલ વેપારીઓને ચેતવણી આપવામાં આવી
આ સમગ્ર મામલે સુરત SOG પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન બોગસ ડોક્ટરોને દવાઓનો સપ્લાય થતો અટકાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ સાથેની ચર્ચા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ડિગ્રી સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે.
સુરત SOG દ્વારા પણ દવાઓ સપ્લાય કરતા કેમેસ્ટ અને મેડિકલ વેપારીઓને ચેતવણી આપવામાં આવી છે. જો બોગસ ડોક્ટરો પકડાયા બાદ તેમની પાસેથી દવાઓનો જથ્થો મળી આવશે તો તે દવાઓ સપ્લાય કરનાર વેપારીઓ સુધી તપાસનો રેલો પહોંચાડવામાં આવશે અને નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. આ નિર્ણયથી બોગસ તબીબી પ્રેક્ટિસ પર અંકુશ લાવવા અને લોકોના આરોગ્ય સાથે થતા ચેડાં અટકાવવાના પ્રયાસોને વધુ વેગ મળવાની આશા છે.
આ પણ વાંચો: Ahmedabad Fire: ગ્રેનાઈટના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી





