Aravalli News: માલપુર અને શામળાજીમાં વરસાદની ખેંચથી ખેડૂતો ચિંતિત, બંને તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ


Aravalli News
Aravalli News: માલપુર અને શામળાજીમાં વરસાદની ખેંચથી ખેડૂતો ચિંતિત, બંને તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ


Aravalli News
Aravalli News: અરવલ્લી જિલ્લામાં ચોમાસાની સિઝનમાં સરેરાશ 62 ટકા જેટલો વરસાદ નોંધાયો છે, પરંતુ માલપુર અને શામળાજી તાલુકામાં માત્ર 12થી 13 ઈંચ વરસાદ થતા ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. વરસાદની અછતને કારણે ચોમાસુ પાક નિષ્ફળ જતાં હવે ખેડૂતોને શિયાળુ પાકની ચિંતા સતાવી રહી છે. બંને તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય આપવા માટે તંત્ર સમક્ષ માગ ઉઠી છે.
વરસાદ ખેંચાતા પાકને પૂરતું પાણી મળ્યું ન હતું
માલપુર અને શામળાજી તાલુકાના ખેડૂતોએ મગફળી, સોયાબીન અને કપાસ સહિતના પાકોનું વાવેતર કર્યું હતું. શરૂઆતમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ મોંઘા ભાવે ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી પાકની માવજત કરી હતી. જોકે, ત્યારબાદ વરસાદ ખેંચાતા પાકને પૂરતું પાણી મળ્યું ન હતું. પરિણામે અપેક્ષા મુજબની ઉપજ મળી નથી અને ખેડૂતો માડ ખેતીમાં થયેલા ખર્ચ જેટલી આવક મેળવી શક્યા છે.
માલપુર તાલુકાના મેણી કંપા ગામે ખેડૂતો સાથે વાતચીત કરતાં તેમની વેદના સામે આવી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે વરસાદના અભાવે ખેતીને મોટું નુકસાન થયું છે. કૂવા, તળાવ અને બોરમાં પણ પાણીનો પૂરતો સંગ્રહ ન હોવાથી આગામી શિયાળુ પાકનું વાવેતર કરવું મુશ્કેલ બન્યું છે. શિયાળુ પાક નહીં થાય તો ઉનાળામાં પણ આવક મેળવવી મુશ્કેલ બનશે.
વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ
ખેડૂતોએ વધુમાં જણાવ્યું કે માલપુરની વાત્રક નદીમાંથી લિંક કરીને તળાવો ભરવાની યોજના શરૂ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી વિસ્તારનાં તળાવો ભરાયાં નથી. પાણીના અભાવે ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય પણ મુશ્કેલીમાં મુકાયો છે. પશુઓ માટે ઘાસચારાની અછત સર્જાવાની ચિંતા છે. આ સ્થિતિમાં ખેડૂત પરિવારોની મહિલાઓએ પણ તંત્ર પાસે સહાયની માગ કરી છે. ખેડૂતોની માગ છે કે માલપુર અને શામળાજી તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી યોગ્ય સહાય આપવામાં આવે અને પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે.





