ગણેશોત્સવમાં સુરતમાં માનવતાનો મહાયજ્ઞ: બ્રેઈનડેડ સંતોષભાઈના અંગદાનથી 4 લોકોને જીવનદાન



Surat Organ Donation Brain Dead Santoshbhai
ગણેશોત્સવમાં સુરતમાં માનવતાનો મહાયજ્ઞ: બ્રેઈનડેડ સંતોષભાઈના અંગદાનથી 4 લોકોને જીવનદાન



Surat Organ Donation Brain Dead Santoshbhai
Surat Organ Donation Brain Dead Santoshbhai: ગણેશોત્સવના પાવન અવસરમાં સુરતમાં માનવતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. મહારાષ્ટ્રના ધુલેના વતની અને હાલ સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા સંતોષભાઈના બ્રેઈનડેડ થયા બાદ તેમના પરિવારે અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. પરિવારની સંમતિથી દાનમાં મળેલી બંને કિડની અને ચક્ષુઓ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન અને દૃષ્ટિની આશા મળી છે.

દાદર પરથી પડી જતાં માથામાં ગંભીર ઈજા
સંતોષભાઈ 19 સપ્ટેમ્બરની રાત્રે દાદર પરથી પડી જતાં માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે યુનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સીટી સ્કેન દરમિયાન મગજમાં લોહીનો ગઠ્ઠો અને સોજો હોવાનું સામે આવ્યું હતું. ન્યુરોસર્જન ડૉ. હરિન મોદી અને તબીબોની ટીમે ક્રેન્યોટોમી ઓપરેશન કરીને મગજમાંથી લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો. જોકે, સઘન સારવાર અને તબીબોના પ્રયાસો છતાં 21 સપ્ટેમ્બરના રોજ નિષ્ણાત તબીબોની ટીમે સંતોષભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

દુઃખની ઘડીમાં પરિવારે લીધો અંગદાનનો નિર્ણય
પતિ અને પિતાને ગુમાવવાના આઘાત વચ્ચે પણ સંતોષભાઈના પત્ની લલીતાબેન તથા પુત્રો લક્ષ્મીકાંત અને વિશાલે અંગદાન માટે સંમતિ આપી હતી. પરિવારનું માનવું હતું કે સંતોષભાઈ સેવાભાવી સ્વભાવના હતા અને તેમના અંગો દ્વારા અન્ય દર્દીઓને નવું જીવન મળી શકે તો તેમના અવસાન બાદ પણ તેમની સેવા આગળ વધી શકે. પરિવારની સંમતિ બાદ યુનિક હોસ્પિટલના તબીબોએ ‘ડોનેટ લાઈફ’ સંસ્થાના પ્રમુખ પદ્મશ્રી નીલેશ માંડલેવાલાનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ડોનેટ લાઈફની ટીમે અંગદાનની પ્રક્રિયા માટે જરૂરી કાનૂની અને તબીબી વ્યવસ્થાઓ સંભાળી હતી.
અમદાવાદના દર્દીઓ માટે કિડની ફાળવાઈ
અંગદાનની સંમતિ મળ્યા બાદ SOTTO દ્વારા દાનમાં મળેલા અંગોની ફાળવણી કરવામાં આવી હતી. સંતોષભાઈની બંને કિડની અમદાવાદની એપોલો હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીઓ માટે ફાળવવામાં આવી હતી. જ્યારે તેમના ચક્ષુઓનું દાન ‘લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક’ના ડૉ. પ્રફુલ શિરોયા દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું.
સુરતથી અમદાવાદ સુધી ગ્રીન કોરિડોર
કિડની સમયસર અમદાવાદ પહોંચે તે માટે સુરત શહેર પોલીસ દ્વારા સુરતથી અમદાવાદ સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. આ ગ્રીન કોરિડોર દરમિયાન રાજ્યના વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોના પોલીસ વિભાગોએ પણ સહયોગ આપ્યો હતો. અંગદાનની સમગ્ર પ્રક્રિયામાં તબીબો, હોસ્પિટલ સ્ટાફ, વાસ્તવ ગ્રુપ સહિતના સેવાભાવી કાર્યકરોનો પણ સહયોગ રહ્યો હતો.
અત્યાર સુધી 1,404 અંગો અને ટીસ્યુનું દાન
‘ડોનેટ લાઈફ’ સંસ્થા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં 562 કિડની, 245 લિવર, 59 હૃદય, 56 ફેફસાં અને 460 ચક્ષુઓ સહિત કુલ 1,404 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેના થકી દેશ-વિદેશના કુલ 1,295 લોકોને નવજીવન મળ્યું હોવાનું સંસ્થાએ જણાવ્યું છે. સુરત શહેર પોલીસે પણ અત્યાર સુધીમાં આવા 144 ગ્રીન કોરિડોર બનાવીને અંગોને સમયસર ગંતવ્ય સુધી પહોંચાડવામાં સહયોગ આપ્યો છે. સંતોષભાઈના પરિવારે દુઃખની ઘડીમાં અંગદાનનો નિર્ણય લઈને માનવતાની સેવા માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમના અંગદાનથી જરૂરિયાતમંદ દર્દીઓને જીવન અને દૃષ્ટિ મેળવવાની નવી આશા મળી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





