Surat BJP Bike Rally: ભાજપની બાઈક રેલીમાં ટ્રાફિકના નિયમોના ધજાગરા, હેલ્મેટ વગર કાર્યકર્તાઓએ કાઢી બાઈક રેલી!


ટ્રાફિકના નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડ્યા
Surat BJP Bike Rally: ભાજપની બાઈક રેલીમાં ટ્રાફિકના નિયમોના ધજાગરા, હેલ્મેટ વગર કાર્યકર્તાઓએ કાઢી બાઈક રેલી!


ટ્રાફિકના નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડ્યા
Surat BJP Bike Rally: સુરતમાં ભાજપ યુવા મોરચાની બાઈક રેલી દરમિયાન ટ્રાફિકના નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. નરેશ દેસાઈ સુરતના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન આયોજિત રેલીમાં કેટલાક કાર્યકર્તાઓ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાના દૃશ્યો સામે આવ્યા છે. જેને લઈને હવે સુરત શહેર ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
એકપણ બાઈકચાલકે હેલ્મેટ પહેર્યું ન હોવાના દૃશ્યો સામે આવ્યા
મળતી માહિતી મુજબ, ડૉ. નરેશ દેસાઈના સુરત પ્રવાસ દરમિયાન ભાજપ યુવા મોરચા દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જોકે, રેલી દરમિયાન કેટલાક હોદ્દેદારો બાઈક પર પાછળ ઊભા રહી હાથમાં ભાજપના ઝંડા અને બેનર પકડીને જતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત રેલીમાં સામેલ એકપણ બાઈકચાલકે હેલ્મેટ પહેર્યું ન હોવાના દૃશ્યો પણ સામે આવ્યા છે. કેટલાક કાર્યકર્તાઓ કારની રૂફટોપ પર બેસીને ભાજપનો ઝંડો ફરકાવતા જોવા મળ્યા હતા. જાહેર માર્ગ પર આ પ્રકારની હરકતો અન્ય વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ શકે છે.
પોલીસ દ્વારા કાર્યવાહી થશે કે કેમ?
અહીં સવાલ એ ઊભો થાય છે કે સામાન્ય નાગરિક હેલ્મેટ વગર વાહન ચલાવે તો ટ્રાફિક પોલીસ દ્વારા ઈ-મેમો મોકલવામાં આવે છે. ઘણીવાર સોશિયલ મીડિયા પર જોખમી સ્ટંટના વીડિયો વાયરલ થાય તો પોલીસ કાર્યવાહી કરીને જવાબદારોને કાયદાનું ભાન કરાવે છે. તો પછી રાજકીય રેલીમાં નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે પણ સમાન કાર્યવાહી થશે કે કેમ?
એક તરફ ટ્રાફિક પોલીસ નાગરિકોને નિયમોનું પાલન કરવાની અપીલ કરે છે, ત્યારે બીજી તરફ રાજકીય રેલીમાં જ નિયમભંગના દૃશ્યો સામે આવતાં ચર્ચા શરૂ થઈ છે. હવે સુરત શહેર ટ્રાફિક પોલીસ હેલ્મેટ વગરના બાઈકચાલકો અને જોખમી રીતે રેલીમાં સામેલ થયેલા કાર્યકર્તાઓ સામે ઈ-ચલાન સહિતની કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું.
આ પણ વાંચો: Lavari Show Controversy: કોમેડીના નામે આવી અશ્લીલતા! પારુલ યુનિવર્સિટીના 'લવારી શો' સામે પોલીસ ફરિયાદ, અશોભનીય રજૂઆતનો આક્ષેપ




