Lavari Show Controversy: કોમેડીના નામે આવી અશ્લીલતા! પારુલ યુનિવર્સિટીના 'લવારી શો' સામે પોલીસ ફરિયાદ, અશોભનીય રજૂઆતનો આક્ષેપ

Lavari Show Controversy: વડોદિયાની પારુલ યુનિવર્સિટીના ‘ધ લવારી શો’માં અશોભનીય શબ્દોના ઉપયોગના આક્ષેપ સાથે સિક્યુરિટી કર્મચારીએ ફરિયાદ નોંધાવી છે.
Kunjan Shukal
Kunjan Shukal
વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવીવાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

Lavari Show Controversy: વડોદરાની પારુલ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીના કેમ્પસમાં યોજાયેલા ‘ધ લવારી શો’ દરમિયાન અશોભનીય શબ્દો અને વાંધાજનક રજૂઆત કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. યુનિવર્સિટીના સિક્યુરિટી કર્મચારી મહેન્દ્રપ્રતાપસિંહ રામસહાયસિંહ દ્વારા આ મામલે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવતાં વિવાદ વધુ વકર્યો છે.

અશોભનીય અને વાંધાજનક શબ્દોનો ઉપયોગ

મળતી માહિતી મુજબ, ગત 25 નવેમ્બરના રોજ પારુલ યુનિવર્સિટીના કેમ્પસમાં સાંજે 5:30થી 7:30 વાગ્યા દરમિયાન ‘ધ લવારી શો’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લવારી શોના કેટલાક કલાકારો દ્વારા અશોભનીય અને વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

ફરિયાદી મહેન્દ્રપ્રતાપસિંહના જણાવ્યા અનુસાર, શો દરમિયાન કરવામાં આવેલી કેટલીક રજૂઆતો સામાજિક લાગણીઓને ઠેસ પહોંચાડે તેવી હતી. શિક્ષણના ધામ ગણાતા યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયેલા કાર્યક્રમમાં આ પ્રકારની ભાષા અને રજૂઆતથી સમાજમાં અયોગ્ય સંદેશ જાય છે તેમજ યુવાનો પર નકારાત્મક અસર પડી શકે છે તેવી રજૂઆત કરવામાં આવી છે.

આયોજકો સામે આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર

આ મામલે ફરિયાદીએ જવાબદાર કલાકારો અને આયોજકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. ફરિયાદના આધારે વાઘોડિયા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 296 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ સમગ્ર વિવાદ અંગે વડોદરા જિલ્લા પોલીસ કચેરી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ પોલીસ અધિક્ષક (DySP) દ્વારા મામલે વધુ વિગતો આપવામાં આવી હતી. હવે પોલીસ તપાસમાં શો દરમિયાન ખરેખર કયા પ્રકારની રજૂઆતો કરવામાં આવી હતી અને ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોમાં કેટલી હકીકત છે તે સ્પષ્ટ થશે. સાથે જ કાર્યક્રમના કલાકારો અને આયોજકો સામે આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો: Bhavnagar News: પશુભા ગોહિલના મૃત્યુનો મામલો પાંચ દિવસ બાદ સમેટાયો, પરિવાર પાર્થિવ દેહ સ્વીકારશે