Amreli News: કૃષિ વિભાગની ખેડૂત તાલીમમાં હોબાળો, ભોજનના લોટમાંથી નીકળી જીવાત

Amreli News: અમરેલીમાં કપાસ ક્રાંતિ ખેડૂત તાલીમ દરમિયાન ભોજનના લોટમાંથી જીવાત નીકળતાં 200થી વધુ ખેડૂતોમાં રોષ ફેલાયો અને હોબાળો થયો.
Kunjan Shukal
Kunjan Shukal
ભોજનમાં જીવાત નીકળતા ભારે હોબાળો મચ્યોભોજનમાં જીવાત નીકળતા ભારે હોબાળો મચ્યો

ભોજનમાં જીવાત નીકળતા ભારે હોબાળો મચ્યો

Amreli News: અમરેલી શહેરમાં કૃષિ વિભાગ દ્વારા આયોજિત 'કપાસ ક્રાંતિ' ખેડૂત તાલીમ કાર્યક્રમ દરમિયાન ભોજનમાં જીવાત નીકળતા ભારે હોબાળો મચ્યો હતો. તાલીમમાં ભાગ લેવા આવેલા ખેડૂતોએ ભોજનની ગુણવત્તા સામે નારાજગી વ્યક્ત કરી હતી. સરકારી કાર્યક્રમમાં ખેડૂતોને પીરસવામાં આવેલા ભોજનમાં જીવાત મળી આવતાં આયોજકોની વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે.

લોટમાં જીવાત જોવા મળતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો

મળતી માહિતી મુજબ, અમરેલી ખાતે કૃષિ વિભાગ દ્વારા કપાસ ક્રાંતિ અંતર્ગત ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાંથી 200થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. તાલીમ દરમિયાન ખેડૂતો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, ભોજન પીરસવામાં આવ્યા બાદ લોટમાં જીવાત જોવા મળતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો.

ખેડૂતોએ ભોજનની ગુણવત્તા સામે સવાલ ઉઠાવ્યા હતા. લાડુ, રોટલી અને ભજીયા સહિતની ભોજનની વિવિધ વસ્તુઓને લઈને પણ ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી હતી. ખાસ કરીને લોટમાંથી જીવાત નીકળવાની ઘટનાને પગલે ખેડૂતોનો આક્રોશ વધી ગયો હતો અને તાલીમ કેન્દ્ર ખાતે હોબાળો મચાવ્યો હતો.

જવાબદારો સામે કૃષિ વિભાગ કડક પગલાં લેશે કે કેમ?

ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક અસરથી જીવાતવાળા ભોજનનો નાશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ખેડૂતો માટે બહાર જમવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવતાં મામલો થાળે પડ્યો હતો. જોકે, સરકારી તાલીમ કાર્યક્રમમાં ખેડૂતોને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. 200થી વધુ ખેડૂતોની હાજરીમાં આવી બેદરકારી સામે આવતાં જવાબદાર એજન્સી સામે કાર્યવાહી કરવાની માગ પણ ઉઠી રહી છે. મહત્વની વાત એ છે કે, ભોજન પૂરું પાડનાર એજન્સી સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે સવાલ એ છે કે ખેડૂતોને બિનઆરોગ્યપ્રદ ભોજન પીરસવા બદલ જવાબદારો સામે કૃષિ વિભાગ કડક પગલાં લેશે કે કેમ?

આ પણ વાંચો: Kutch News: વરણુ રણમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, ફોર્ચ્યુનરમાંથી દારૂ-બિયરની 2,517 બોટલ ઝડપાઈ