Surat News: મહાનગરપાલિકામાં અધિકારીઓની બેદરકારી! કમિશનરને જ આપી ખોટી માહિતી

Surat News: સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે. પાલિકાના અધિકારીઓ હવે પોતાના જ કમિશનરને ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનો મામલો સામે આવ્યો છે.
Kunjan Shukal
Kunjan Shukal
સુરત મહાનગરપાલિકામાં અધિકારીઓની મોટી બેદરકારીસુરત મહાનગરપાલિકામાં અધિકારીઓની મોટી બેદરકારી

સુરત મહાનગરપાલિકામાં અધિકારીઓની મોટી બેદરકારી

Surat News: સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની કામગીરી સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. આશ્ચર્યની વાત એ છે કે પાલિકાના અધિકારીઓ હવે પોતાના જ કમિશનરને ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં રોડની કામગીરી અંગે થયેલી ચર્ચા દરમિયાન આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.

રોડ પર RCCની કામગીરી શરૂ જ થઈ નહોતી

સામાન્ય સભામાં એક કોર્પોરેટર દ્વારા શહેરમાં ચાલી રહેલી રોડની કામગીરી અંગે સવાલો કરવામાં આવ્યા હતા. જેના જવાબમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર રાજકુમાર બેનીવાલે વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી કામગીરી અંગે માહિતી આપી હતી. જોકે, આ દરમિયાન સીમાડાથી સવજી કોરાટ બ્રિજ સુધીના રોડના RCC કામ અંગે કમિશનરે આપેલી માહિતી ખોટી હોવાનું સામે આવ્યું હતું. વાસ્તવમાં આ રોડ પર RCCની કામગીરી શરૂ જ થઈ નહોતી, તેમ છતાં કમિશનરે સામાન્ય સભામાં કામગીરી ચાલુ હોવાની માહિતી આપી હતી. આ બાબતે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે વિરોધ નોંધાવ્યો હતો અને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અધિકારીઓ કમિશનરને ખોટી માહિતી આપી રહ્યા છે અને સ્થળ પર કામગીરી શરૂ થઈ નથી.

પાલિકાના તંત્રમાં દોડધામ મચી ગઈ

આમ, સામાન્ય સભાની વચ્ચે જ કમિશનર દ્વારા આપવામાં આવેલી માહિતી ખોટી સાબિત થતાં પાલિકાના તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સમગ્ર મામલો સામે આવ્યા બાદ અધિકારીઓએ તાત્કાલિક રોડની કામગીરી શરૂ કરાવવા માટે સવારથી જ ભાગદોડ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સવાલ એ પણ છે કે જ્યારે અધિકારીઓ પોતાના જ કમિશનરને સાચી માહિતી આપી શકતા નથી, ત્યારે શહેરના વિકાસકાર્યોની વાસ્તવિક સ્થિતિ કેવી રીતે જાણી શકાશે?

અગાઉ પણ પાલિકાના અધિકારીઓની બેદરકારીભરી કામગીરીને કારણે પૂર્વ કમિશનર એમ. નાગરાજની કામગીરી પર સવાલો ઊભા થયા હતા. હવે શું અધિકારીઓની આવી બેદરકારીના કારણે વર્તમાન કમિશનર રાજકુમાર બેનીવાલની રેકોર્ડ બુક પણ ખરાબ થશે? તે જોવું રહ્યું.

આ પણ વાંચો: Kadi Vepari Humlo : કડીમાં પાર્કિંગ વિવાદમાં વેપારી પર છરાથી હુમલો, આરોપીએ જાનથી મારી નાખવાની આપી ધમકી