સુરતમાં ‘સિગ્નલ સ્કૂલ’ની પહેલ: ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા બાળકો હવે ભણશે


સુરતમાં ‘સિગ્નલ સ્કૂલ’ની પહેલ: ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા બાળકો હવે ભણશે


Signal School Surat: ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા, મજૂરી કરતા કે નાની-મોટી વસ્તુઓ વેચતા બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ‘ભિક્ષા નહીં, શિક્ષા’ના ધ્યેય સાથે સુરતમાં ‘સિગ્નલ સ્કૂલ’ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

હરતી-ફરતી શાળા બનશે ‘સિગ્નલ બસ’
શાળાએ જઈ શકતા ન હોય તેવા બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સિટી લિંક બસને વિશેષ રીતે તૈયાર કરવામાં આવી છે. આ બસ ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા કે મજૂરી કરતા બાળકો માટે હરતી-ફરતી શાળા તરીકે કામ કરશે. સિગ્નલ પર મળતા 6થી 8 વર્ષના બાળકોને રેસ્ક્યુ કરી બ્રિજ કોર્સ મારફતે શિક્ષણ આપવામાં આવશે અને ત્યારબાદ તેમને નિયમિત શાળામાં જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.

શિક્ષણની સાથે ભોજન અને આરોગ્યની સુવિધા
‘સિગ્નલ સ્કૂલ’માં બાળકોને માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ વિવિધ સુવિધાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવશે. બાળકોને મધ્યાહન ભોજન, હેલ્થ ચેકઅપ, યુનિફોર્મ અને શૈક્ષણિક સામગ્રી પૂરી પાડવામાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ સિગ્નલ પર ભીખ માંગતા કે બાળમજૂરી કરતા બાળકોને શિક્ષણની તક આપીને તેમને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો છે.

અમદાવાદ બાદ સુરતમાં પ્રોજેક્ટનો પ્રારંભ
આ પ્રોજેક્ટની શરૂઆત સુરતના રાંદેર ઝોનથી કરવામાં આવી છે. અમદાવાદમાં આ પ્રકારની પહેલની સફળતા બાદ સુરતમાં પણ ‘સિગ્નલ સ્કૂલ’ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 650થી વધુ બાળકોને નજીકની મ્યુનિસિપલ શાળાઓમાં પ્રવેશ અપાવવામાં આવ્યો છે.

‘ભિક્ષા નહીં, શિક્ષા’થી ઉજ્જવળ ભવિષ્યનો પ્રયાસ
ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા બાળકોને શિક્ષણ સાથે જોડીને તેમના જીવનની દિશા બદલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સિગ્નલ પર સમય પસાર કરતા બાળકોના હાથમાં ભીખનો વાટકો નહીં પરંતુ પુસ્તક આવે અને તેઓ નિયમિત શાળાએ જઈ શકે તે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય છે. સુરત મહાનગરપાલિકાની આ પહેલથી વંચિત બાળકોને શિક્ષણની તક મળવાની સાથે તેમના ઉજ્જવળ ભવિષ્યનો પાયો પણ મજબૂત બનશે.




